પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ખાતેથી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકાના જિલ્લા મથક ખંભાળીયા ખાતે નગરપાલિકા યોગ કેન્દ્રમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં શ્રમયોગી યોજના કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રંસગે ચેરમેન મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, અસંગઠીત શ્રમયોગીઓ માટેની આ પેન્શન યોજના ખુબ જ ઉપયોગી નિવડશે. વૃદ્ધાવસ્થામાં આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે કામદારોને મહેનત નહીં કરવી પડે. આ યોજનાથી અસંગઠિત શ્રમયોગીઓને માસિક રૂ. ૩૦૦૦ પેન્સન મળશે. ૧૮ થી ૪૦ વર્ષના લોકો માસિક ૧૫ હજાર કે ઓછી આવક ધરાવતા તેમજ પેન્શન ન કપાતું હોય તેવા અસંગઠીત શ્રમયોગીઓ આ યોજનાનો લાભ લઇ શકશે.
કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીનાએ શ્રમયોગી યોજનાની વિસ્તૃંત માહિતી આપતા જણાવ્યું હતું કે બાંધકામ શ્રમયોગીઓ, આયુશમાન યોજનાના લાભાર્થીઓ ખેત મજુરો, રીક્ષા ચાલકો, આશાવર્કરો, આંગણવાડી વર્કરો, ઘરેલુ કામદારો, મધ્યાહન ભોજન વર્કરો, ફેરીયાઓ વગેરે આ યોજનાનો લાભ લઇ શકશે. આ યોજના અંતર્ગત ફાળાની રકમ રૂા.૫૫ થી રૂા.૨૦૦ સુધીની રહેશે. જેમાં પ૦ ટકા ફાળો ભારત સરકાર આપશે. ૬૦ વર્ષની ઉમર બાદ શ્રમયોગીઓને ૩૦૦૦/-નું નિશ્વિત પેન્શન મળશે તેમજ મૃત્યુના કિસ્સામાં તેના પતિ/ પત્નીને ૫૦ ટકા પેન્શન મળશે.
આ કાર્યક્રમમાં એસ.આર. ઓઝા, નોડલ અધિકારીએ શ્રમયોગી યોજનાની જાણકારી આપી હતી. સ્વાગત પ્રવચન એચ.એલ પરમાર એકાઉન્ટર ઓફીસર પી.એફ. રાજકોટએ તથા સમાપન વિધી એ.એસ.ઓ., ઇ.એસ.આઇ.સી. અમદાવાદ અમરદિપ કુમારે કરી હતી. મહાનુભાવોના હસ્તે શ્રમયોગીઓને માનધન યોજનાના કાર્ડ એનાયત કરાયા હતા. બાદમાં અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી દ્વારા શુભારંભ કરવામાં આવેલ શ્રમયોગી માનધાન યોજનાનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, ઇચા. જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, જિ.પં. વિપક્ષ નેતા મયુરભાઇ ગઢવી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલ, નિવાસી અધિક કલેકટર પટેલ, ડી.આર.ડી.એ.ના નિયામક વાઘેલા સહિત અધિકારીઓ તથા મોટી સંખ્યાભમાં શ્રમયોગીઓ સહભાગી થયા હતા.