વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રે સંશોધનાત્મક અભિગમ કેળવે – સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી તરઘડીયા સ્થિત કૃષિ ઇજનેરી પોલિટેક્નિક ખાતે ગર્લ્સ તેમજ બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કરતા પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી તેમજ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ અનુરોધ કર્યો હતો કે, વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરીને આગળ જતાં કૃષિ ક્ષેત્રે સંશોધનાત્મક અભિગમ કેળવે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના મહા અભિયાનમાં સહભાગી બને.
મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, પોલિટેક્નિકના ઇજનેરીના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના સિંચાઈ ડી.આર.ડી.એ સહિતના વિભાગોમાં પણ જોડાઈ તેમના જ્ઞાનનો લાભ આપી શકે છે. તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના વિદ્યાર્થીઓ ખેડૂતપુત્રો હોઈ તેઓ કૃષિમા ચોક્કસ આમૂલ પરિવર્તન લાવી શકશે.
આ તકે પ્રાસંગિક પ્રવચન આપતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. એ. આર. પાઠકે જણાવ્યું હતું કે. સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌપ્રથમ પોલિટેકનિકમાં ડિપ્લોમા કૃષિ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. ડિપ્લોમાના ૧૦ ટકા વિદ્યાર્થીઓ આગળ જતા ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકે છે. અહીં વિદ્યાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવતા કોલેજની છાત્રાઓને ભણવામાં સુગમતા પ્રાપ્ત થશે તેમ ડો. પાઠકે ઉમેર્યુ હતું.
તરખડીયા ખાતે રૂ ૬.૫૦ કરોડના ખર્ચે ‘વિશ્વ કર્મા’ બોયઝ હોસ્ટેલ અને ‘ગાર્ગી’ ગર્લ્સ હોસ્ટેલ ખુલ્લી મુકાઈ છે. જેમાં ૧૫૦ વિદ્યાર્થીઓ તેમજ ૯૦ વિદ્યાર્થીનીઓ રહી શકશે. સ્વાગત પ્રવચન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ અને ડીન ડો. એન. કે. ગોંટિયાએ કર્યું હતું. તેમજ આભારવિધિ ડો. જી.આર. શર્માએ કરી હતી.
આ પ્રસંગે સૂકી ખેતી સંશોધન કેન્દ્રના ડૉ હિરપરા, ડૉ. બી બી કાબરીયા, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના ડો. વી. આર.માલમ, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આ વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.