હર… હર… મહાદેવના નાદ સાથે કાલે મહાશિવરાત્રિની શહેરભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ઉલ્લાસભેર શિવાલયોમાં ભજન-કિર્તન, મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.મહા શિવરાત્રિના પાવન પર્વે શહેરના રાજમાર્ગો પર નીકળેલી વિશાળ શોભાયાત્રા નિહાળી ભક્તો શિવ ભક્તિમાં લીન થયા હતા. વિશાળ શિવ શોભાયાત્રાનું મુખ્ય ચોક જેમ કે, સોરઠીયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ, માલવીયા સર્કલ, જિલ્લા પંચાયત ચોક સર્કલ, મોટી ટાંકી ચોક, હરીહર ચોક, ચૌધરી ગ્રાઉન્ડ વગેરે જગ્યાએ ઉમંગભેર સ્વાગત કરાયું હતું.શોભાયાત્રામાં મુખ્ય શિવરથ, બાર જયોર્તિલિંગ, બાઈક, બુલેટ, જીપ, ફોરવ્હીલર, મેટાડોર વગેરે વાહનો જોડાયા હતા. આ ઉપરાંત રાજાશાહી સવારીની જેમ બગી, ઉંટ, ઘોડા સવારો પણ મુખ્ય માર્ગો પર ફરતા લોકો મંત્રમુગ્ધ થયા હતા.
શોભાયાત્રામાં સીદ્દી બાદશાહ કલાકારો મિત્રોએ આદિવાસીનું પ્રખ્યાત ધમાલ નૃત્ય દેખાડયુ તો શિવ વંદના, શિવ ધૂનના સંગીત સાથે ભક્તોએ નૃત્ય કરી વાતાવરણને અલૌકીક બનાવ્યું હતું. લોકો ડી.જે.ના તાલે જૂમી ઉઠયા હતા. ઠેર-ઠેર વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ઉમંગભેર સ્વાગતકરાયું હતું.