સૌની યોજના થકી ભાવનગર-બોટાદ જીલ્લાના ડેમોમાં પાણી લવાશે
સૌરાષ્ટની સૌથી મોટી અને ભાવનગર જીલ્લા માટે જીવાદોરી સમાન એવી શેત્રુજી નદીમાં સૌની યોજના હેઠળ આજે નર્મદાના ના નીર આવી પહોચ્યા હતા,સીએમના હસ્તે પાણીના વધામણા થાય તે પૂર્વે આજે ટેસ્ટીંગ માટે ૩૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે શેત્રુજી નદીમાં આવી પહોચતા ભાવનગરના સાંસદ તેમજ પાલીતાણા ધારાસભ્ય સહિતના આગેવાનોએ નર્મદા નીરના વધામણા કર્યા હતા.
૧૦ હજાર કરોડના ખર્ચે બની રહેલ સૌની યોજનામાં ભાવનગર શહેર અને જીલ્લા માટે જીવાદોરી સમાન શેત્રુજી ડેમનો સૌની યોજનામાં ફેઝ-૨ માં સમાવેશ કર્યા બાદ છેલ્લા ઘણા મહિનાથી પાઈપ લાઈન નાખવાનું કામ શરુ હતું, લગભગ ૧૫૦ કિમી લાંબી પાઈપ લાઈન મારફતે અને પમ્પીંગ કરીને પાણીને ભાવનગરની શેત્રુજી નદીમાં પહોચાડવામાં આવ્યું છે.
સૌની યોજના હેઠળ નર્મદાના નીરના વધામણા કરવા માટે પીએમ ભાવનગર આવવાના હતા પરંતુ તેમનો કાર્યક્રમ રદ થતા હવે સીએમ આ નીરના વધામણા કરશે, સીએમ આવે તે પૂર્વે ટેસ્ટીંગ માટે આજે શેત્રુજી નદીમાં ૩૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના વધામણા કરવા માટે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સહિતના ભાજપના અગ્રણીઓ પહોચ્યા હતા અને પાણી આવતા પુષ્પો દ્વારા નર્મદાના નીરના વધામણા કર્યા હતા.
અત્રે ઉલ્લખેનીય છે કે ભાવનગર જીલ્લાની જીવાદોરી સમાન આ ડેમનું ઉદઘાટન જવાહરલાલ નહેરુના હસ્તે થયું હતું, ડેમનીકુલ જળસંગ્રહની ક્ષમતા ૩૦૮.૬૮ ધનમીટર છે.આવી વિશાળ ક્ષમતા ધરાવતો આ શેત્રુજી ડેમ ભાવનગર જીલ્લા માટે આશીર્વાદ સમાન છે, આ ડેમમાંથી ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમજ જીલ્લાના પાલીતાણા, ગારીયાધાર તળાજા, મહુવા તાલુકાના ગામડાઓને પણ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
આ ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલો મારફતે પાલીતાણા,તળાજા,ઘોઘા મહુવાના ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવે છે. ખાસ કરીને પિયત માટેના હેતુથી બનાવેલ આ ડેમમાં હાલ અમરેલી અને ભાવનગરના પંથકમાં થયેલ વરસાદના પાણી ની આવક થાય છે જો કે છેલ્લા બે વર્ષ થી આ ડેમ ઓવર ફલો થયો નથી, જો કે હવે નર્મદા ડેમનું ઓવરફલો પાણીને સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્ર તરફ લાવવમાં આવશે જેનાથી ફેઝ-૨ માં સમાવેશ થયેલ ભાવનગર અને બોટાદ જિલ્લાને જેનો લાભ મળશે, આ યોજના હેઠળ ભાવનગર અને બોટાદ જીલ્લાના રંઘોળા, માલપરા, સુખભાદર,કાળુભાર શેત્રુજી ડેમ સહિતના ડેમોમાં પાણી લાવવામાં આવશે.