૪થી એપ્રીલ સુધી ચાલનાર સીબીએસઈની પરીક્ષામાં ૩૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સીબીએસઈ બોર્ડ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ અંગ્રેજીનું પેપર આપશે અને ૫મી માર્ચથી સીબીએસઈ ધો.૧૦ના બોર્ડની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતમાં સીબીએસઈના કુલ ૩૦ પરીક્ષા કેન્દ્રો છે. જેમાના ૧૧ તો માત્ર અમદાવાદમાં છે. ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૩૦,૦૦૦થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે.
સીબીએસઈ પેપર ચોરી કૌભાંડ બાદ આ વર્ષે પરીક્ષા દરમિયાન આ પ્રકારની કોઈપણ હરકતો ન થાય તેના માટે કડક સુચનાઓનું પાલન ફરજીયાત બનાવવામાં આવ્યું છે. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓએ ૧૦:૦૦ વાગ્યા પહેલા હાજર થવાનું રહેશે ત્યારબાદ તેને પરીક્ષાખંડમાં પ્રવેશ નહીં મળે. જો કે પરીક્ષાનો સમય ૧૦:૩૦ થી ૧:૩૦ સુધીનો રહેશે. ત્યારે ૧૦:૦૦ વાગ્યે વિદ્યાર્થીઓને જવાબવહી તેમજ ૧૦:૧૫ પ્રશ્ન પેપર આપવામાં આવશે.સીબીએસઈના બન્ને ધોરણોની બોર્ડની પરીક્ષા ૪થી એપ્રીલ સુધી ચાલશે. જો કે, આ પરીક્ષાના ટાઈમ ટેબલો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે ન ટકરાય તેના માટે કાળજી રાખવામાં આવશે. ગુજરાત બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષા ૭મી માર્ચથી શરૂ થનાર છે જેમાં ૧૮ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.