૮૭ સરકારી શાળાના બાળકોની અદભુત કલાકૃતિએ લોકોને કર્યા મંત્રમુગ્ધ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા ‘ઉડાન’ સપનો કી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની તમામ સરકારી શાળાનાં વિદ્યાર્થીઓએ ભાવભેર ભાગ લઈ પોતાની કલાકૃતિ રજુ કરી ઉપસ્થિત મહેમાનો અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
અબતક સાથેની વાતચીતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, સતત ત્રીજા વર્ષે ખાનગી શાળાઓના એન્યુઅલ ફંકશનની જેમ જ સરકારી શાળાના બાળકો માટે નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા ‘ઉડાન’ સપનો કી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુંપડપટ્ટી, ગરીબ વર્ગ અથવા તો મધ્યમ વર્ગમાંથી શિક્ષણ માટે આવતા બાળકો માટે શિક્ષણની સાથે તેમનામાં રહેલી કલાઓને ઓપ આપી તેમને જરૂરી તાલીમ આપી તેમનામાં રહેલી કળાઓ નિખારવાનો એક પ્રયાસ છે.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જેમ કીધુ છે તેમ કે સરકારી શાળાનાં વિદ્યાર્થીઓમાં કોઈ હિન ભાવના ન આવે તે માટે વિદ્યાર્થીઓ માટે છેલ્લા ૩ વર્ષથી પ્રવેશોત્સવથી લઈ વાલી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને રમતોમાં પણ પોતાનું સારું પ્રદર્શન દાખવતા બાળકો માટે ટ્રેક-શુટથી લઈ આવા-જવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને ૮૭ શાળાઓના ત્રણ દિવસીય કાર્યક્રમનું આ આયોજન છે.
અબતક સાથેની વાતચીતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ‘ઉડાન સપનો કી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં આજે વેસ્ટ ઝોનનો પ્રથમ દિવસ છે. સરકારી શાળાઓના બાળકોમાં રહેલા ટેલેન્ટને નિખારવા માટેનો પ્રયાસ શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને તેમની ટીમે કર્યો છે જે બદલ તેઓને અભિનંદન પાઠવું છું.
જયારે આ કાર્યક્રમનો સાક્ષી બનવા મળ્યું ત્યારે હું માનું છે કે ખાનગી શાળાઓમાં બાળકો કોરિયોગ્રાફી કરી કલા પ્રદર્શિત કરતા હોય ત્યારે આ મજુરી વર્ગ જે શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરે છે એવા બાળકોની કૃતિ નિહાળી અદભુત આનંદ આવ્યો છે અને વાલી જાગૃતિ સંમેલનો પણ સારી રીતે પ્રભાવિત થયા છે. આપણા દેશમાં જયારે લોકો પશ્ર્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે ત્યારે તેની પર ઉઠીને આપણા બાળકોમાં આપણી સંસ્કૃતિ આવે જેનો પ્રયાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે જેના બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને હું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.