આંતરડા પર સોજાનો દુખાવો વધી જતા રાજકોટ એરપોર્ટ પરથી સીધા જ ગાંધીનગર જવા રવાના: સતત ડોકટરો સંપર્કમાં
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબિયત અચાનક ખરાબ થતા અને આંતરડા પર સોજો આવી જતા તેઓનો આજનો જુનાગઢનો પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવ્યો છે. તેઓ રાજકોટ એરપોર્ટ પરથી સીધા ગાંધીનગર જવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે તેઓની સાથે રહેલા ડોકટરો તેઓને સતત સારવાર આપી રહ્યા છે.
જુનાગઢ ખાતે મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે. આજે મીની કુંભ મેળામાં હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેવાના હતા.
બપોરે ૨ વાગ્યા આસપાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજકોટમાં આગમન થઈ ગયું હતું જોકે તેઓને આંતરડા પર સોજો આવી જતા એરપોર્ટ પર જ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. દુખાવો વધી જતા તેઓએ જુનાગઢનો પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરી નાખ્યો હતો અને રાજકોટ એરપોર્ટ પરથી સીધા જ ગાંધીનગર જવા રવાના થઈ ગયા હતા. જોકે તેઓ સવારથી આંતરડા પર આવેલા સોજાના દુખાવાથી પીડાઈ રહ્યા હોય ડોકટરો સતત તેઓને સારવાર આપી રહ્યા છે. બપોરે દુખાવો અસહ્ય બની જતા તેઓ તાત્કાલિક બાય એર ગાંધીનગર જવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.