દિલ્હીની ચીફ મેટ્રોપોલીટન કોર્ટે ગઈકાલે હુકમ કર્યો હતો કે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર તથા અન્ય લોકો પર ૨૦૧૬માં નોંધાયેલ રાજદ્રોહના કેસમાં સુનાવણી હાથ ધરશે આ કેસમાં અત્યાર સુધીમાં પોલીસ કાર્યવાહી કરવાની દિલ્હી સરકારે મંજૂરી આપી નથી આ કેસ છેલ્લા બે વર્ષથી પડતર છે. જેથી આ કેસમાં સુનાવણી યોજવા કોર્ટ સમક્ષ દાદ મંગાઈ હતી.
ગઈકાલે દિલ્હીની ચીફ મેટ્રોપોલીટન જજ દીપક શેરાવત સમક્ષ ઉપસ્થિત થયેલા તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતુ કે રાજય સરકારે દિલ્હી પોલીસને આ કેસ ચલાવવા માટે કોઈ મંજુરી આપી નથી કે કોઈ પ્રતિબંધ આપ્યો નથી. જેથી જજ શેરાવતે રાજય સરકારની મંજુરી વગર અ કેસ ચલાવવાનો હુકમ કરીને કેસની આગામી સુનાવણી ૧૧ માર્ચના રોજ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે ૯મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસદ પર થયેલા હુમલાના માસ્ટરમાઈન્ડ અફઝલ ગૂરૂને ફાંસી આપવાના મુદેભારત વિરોધી સુત્રોચ્ચારો થયાની ફરિયાદ દાખલ કરી હતી જેમાં આરોપી તરીકે કનૈયાકુમાર,ઉમર ખાલીદ, અનિલન ભટ્ટાચાર્ય સહિત અનેક લોકોને દર્શાવીને રાજદ્રોહનો ગુન્હો દાખલ કર્યો હતો.
જેએનયુ કેમ્પસમાં આવો કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ મૂકવા ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટીના વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેને રાષ્ટ્રીય વિરોધી ગણાવીને દિલ્હી પોલીસે રાજદ્રોહની આ ફરિયાદ દાખલ કરી હતી.