હિંમતનગર તાલુકામાં પાંચ માસ અગાઉ 14 માસની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના જધન્ય અપરાધમાં સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી જતા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ અને ફાસ્ટ ટ્રેક કોર્ટના ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજે આરોપીના કપડા પરથી મળી આવેલ રક્ત અને બાળકીના કપડાં પરથી મળી આવેલા જરૂરી પૂરાવા એફએસએલ રિપોર્ટ, સાક્ષીઓ, મેડિકલ એવિડન્સ વગેરેને નજર સમક્ષ રાખી તા. 28/02/19 ના રોજ આઇપીસી 363,447,376(એ,બી) પોક્સો અંતર્ગત તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજાનો હૂકમ કયો હતો.
જઘન્ય પ્રકરણની ટૂંકમાં હકીકત એવી છે કે હિંમતનગર તાલુકામાં આવેલ અનુપમ સિરામિક ફેક્ટરી આગળ ચાની લારી ઉપરથી ફેક્ટરીમાં કામ કરતા રવીન્દ્ર ગાંડે સોલિઆ લાલબિહારી સા (મૂળ રહે. બિહાર) નામના શ્રમિકે તા. 28/09/18 ના રોજ 14 માસની બાળકીને લઇ ગયો હતો અને મોડી સાંજ સુધી બાળકી ન મળતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને પોલીસે રવીન્દ્ર ગાંડેને ઝડપી લઇ યુક્તિ પ્રયુક્તિથી બાળકીની પહેલા ભાળ મેળવી ખેતરમાં કાદવ જેવા ખાબોચિયામાંથી શોધી કાઢી સારવાર અર્થે મોકલી હતી ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ ફેક્ટરીમાં તોડફોડ અને આગચંપી કરી હતી. સમગ્ર રાજ્યમાં પરપ્રાંતીઓ ઉપર હુમલા થયા હતા અને મોટા પાયે પરપ્રાંતીઓએ પલાયન કર્યું હતું.