રાજકોટ, અમરેલી અને જામનગરના શખ્સોએ અમેરિકન નાગરિકોને લોન અપાવવાના બહાને છેતરપિંડી કર્યાનું ખુલ્યું: એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ ઓન લાઇન કૌભાંડ આચર્યુ
શહેરના લક્ષ્મીવાડી મેઇન રોડ પર ભારત ફરસાણની સામે આવેલા દેવાંસી એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા બોગસ કોલ સેન્ટર પર ભક્તિનગર પોલીસે દરોડો પાડી એન્જિનીયરીંગના ત્રણ વિદ્યાર્થીઓને ઝડપી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલા દેવાંશી એપાર્ટમેન્ટના દિનેશભાઇ મકવાણાના ફલેટ નંબર ૪૦૨માં સાતેક માસ પહેલાં અમરેલી અમરેલીના વિદ્યાર્થીને ભાડે આપ્યો હતો. કૌશિકે પોતાની સાથે અભ્યાસ કરતા રાજકોટ અને જામનગરના અન્ય બે વિદ્યાર્થીને પોતાના ફલેટે રહેવા બોલાવી ત્રણેયે સાથે મળી કોલ સેન્ટર શરૂ કર્યુ હતું. ત્રણ પૈકી બે શખ્સો એન્જિનીયરના વિદ્યાર્થી હોવાનું અને અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકતા હોવાથી કોલ સેન્ટર પાંચેક માસ પહેલાં શરૂ કર્યુ હતું.
અમેરિકન નાગરિકે બેન્ક લોન મેળવવા કાર્યવાહી કરતા હોય તેઓની માહિતી અને ફોન નંબર મેળવી તેઓને લોન કરાવી આપવાની ખાતરી આપી ક્રેડિટ સ્કોર વધારવા પોતાની બેન્ક એકાઉન્ટ નંબર આપી તેમાં મોટી રકમ જમા કરાવ્યા બાદ લોન મંજુર થઇ શકે તેમ હોવાનું કહી છેતરપિંડી કરતા હોવાનું એક વિદેશી નાગરિકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને કરેલી રજુઆતના પગલે ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે લક્ષ્મીવાડી ખાતે આવેલા દેવાંશી એપાર્ટમેન્ટમાં દરોડો પાડયો હતો.
ત્રણેયની પૂછપરછ દરમિયાન ત્રણ પૈકી બે વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા સારી રીતે બોલતા આવડતી હોવાથી અમેરિકન નાગરિક સાથે વાત કરી લોન અપાવી દેવા અંગેની ખાતરી આપી પોતાના બેન્ક એકાઉન્ટમાં મોટી રકમ મેળવ્યા બાદ ઠગાઇ કરતા હોવાનું પોલીસ તપાસમં બહાર આવ્યું છે.
ત્રણેય શખ્સો સાથે અન્ય કેટલા સંડોવાયા છે અને તેઓએ કેટલા વિદેશીઓ સાથે છેતરપિંડી કરી તે અંગેની વિગતો મેળવવા પૂછપરછ હાથધરવામાં આવી છે.