રજાના દિવસે કચેરીમાં ચાલતા ગોરખધંધા બંધ કરાવવા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીનો આદેશ
રજાના દિવસે વિભાગીય કામગીરી માટે મહાપાલિકાની કચેરીએ આવતા કર્મચારીઓએ હવે વિજિલન્સ શાખાના ડીવાયએસપીની પરવાનગી લીધા બાદ જ કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે તેઓ આદેશ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવ્યો છે.
મહાપાલિકાની અલગ-અલગ ઝોન કચેરી ખાતે રજાના દિવસોમાં કર્મચારીઓ દ્વારા ગોરખધંધા કરવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે. કચેરીની અગાસી પરથી દારૂની ખાલી બોટલો પણ વારંવાર મળી આવે છે. આટલું જ નહીં યુરીનલમાંથી પણ કોન્ડોમના ખાલી પેકેટ મળી આવ્યા હોવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. રજાના દિવસોનો લાભ લઈ ખુદ કોર્પોરેશનના કર્મચારીઓ જ વિભાગીય કામગીરી કરવાના બહાના હેઠળ કચેરીએ આવી ગોરખધંધા કરતા હોવાનું પ્રકાશમાં આવતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે એવો આદેશ કર્યો છે કે શનિ, રવિ કે રજાના દિવસોમાં કોર્પોરેશન કચેરીએ આવતા કર્મચારીઓએ હવે કચેરીમાં પ્રવેશ કરતા પૂર્વે વિજિલન્સ શાખાના ડીવાયએસપીની મંજુરી લેવી ફરજીયાત છે.