શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ત્રણ પક્ષ છે – (૧) ચૌદશની પ્રદોષ વ્યાપિની. (ર) નિશીથ (અર્ધરાત્રિ) – વ્યાપિની અને (૩) ઉભયવ્યાપિની વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથવ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથવ્યાપિની હોય તે મુખ્ય છે, અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષવ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથવ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ
શિવપુરાણની કોટિ રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આ ચાર વ્રત આ પ્રમાણે છે (૧) ભગવાન શિવની પૂજા, (ર) રુદ્રમંત્રોનો જપ, (૩) શિવમંદિરમાં ઉપવાસ તથા (૪) કાશીમાં દેહત્યાગ. શિવપુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે. આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સવિશેષ છે તેથી તે અવશ્ય કરવું જોઈએ. આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે. નિષ્કામ અથવા સકામ ભાવથી સઘળા મનુષ્યો, વર્ણો, આશ્રમો, સ્ત્રીઓ, બાળકો તથા દેવતાઓ એ સૌને માટે આ એક મહાન વ્રત પરમ હિતકારક માનવામાં આવ્યું છે.