કોંગ્રેસના ૩૧ કોર્પોરેટરોના સામુહિક રજા રિપોર્ટ: શોક ઠરાવ અને અભિનંદન ઠરાવ જેટલું પણ બોર્ડ ન ચાલ્યું
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને મળેલી ખાસ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના ૩૧ અને ભાજપના ૬ સહિત કુલ ૩૭ નગરસેવકો ગેરહાજર રહ્યા હતા. જમીનની લ્હાણી કરવા માટે જ ભાજપના શાસકોએ ખાસ બોર્ડ બોલાવ્યું હોય કોંગ્રેસના ૩૧ કોર્પોરેટરોએ સામુહિક રજા રીપોર્ટ મુકી બોર્ડનો બહિષ્કાર કર્યો હતો. એક મિનિટમાં તમામ ૧૭ દરખાસ્તોને સર્વાનુમતે મંજુરીની મહોર મારી દેવામાં આવી હતી. શોક ઠરાવ અને અભિનંદન ઠરાવ જેટલું પણ બોર્ડ ચાલ્યુ ન હતું.
આજે મળેલા ખાસ બોર્ડમાં મંજુરી અર્થે મુકવામાં આવેલી તમામ ૧૭ દરખાસ્તોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ખાસ બોર્ડમાં કોંગ્રેસના તમામ ૩૧ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. તેઓએ સામુહિક રજા રીપોર્ટ મુકી દીધા હતા તો ભાજપના કોર્પોરેટર નિતીનભાઈ ભારદ્વાજ, જયાબેન ડાંગર, ઉદયભાઈ કાનગડ, કિરણબેન સોરઠીયા, અનીતાબેન ગોસ્વામી અને સોફીયાબેન દલ સહિત કુલ ૬ સભ્યો ગેરહાજર રહ્યા હતા. આજે ખાસ બોર્ડમાં ૭૧ કોર્પોરેટરો પૈકી માત્ર ૩૪ કોર્પોરેટરો જ હાજર રહ્યા હતા. ખાસ બોર્ડ ગણીને માત્ર ૯ મિનિટ ચાલ્યું હતું. જેમાં બે વખત વંદેમાતરમના ગાનનો પણ સમાવેશ થઈ જાય છે. બોર્ડમાં જમીન લ્હાણી અંગેની મુકવામાં આવેલી તમામ દરખાસ્તોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત એક શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં મહાપાલિકાના પૂર્વ કોર્પોરેટર નવીનભાઈ ભાઈચંદભાઈ પારેખનું ગત ૨૨મી ફેબ્રુઆરીના રોજ અવસાન થતા તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત એક અભિનંદન ઠરાવ પણ પસાર કરાયો હતો. જેમાં પુલવામા થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહિદ થયા હતા જેની સહાદતનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ ગત ૨૬મીએ પાકિસ્તાન વિસ્તારમાં આતંકીવાદીઓના આશ્રય સ્થાન પર કરેલા હુમલામાં સેંકડો આતંકીઓનો ખાતમો અને તેના આશ્રય સ્થાનનો નાશ થયો હતો. આ કામગીરીને ખાસ બોર્ડમાં બિરદાવવામાં આવી હતી અને સૈનિકોની બહાદુરીને સલામ આપવામાં આવી હતી.