રોબોટીક મેડિકલ એડ, મોકડ્રીલ, એન્ટી બોમ્બ રોબોટ, સબમરીન અટેક, આર્મી ટ્રેનિંગ જેવા પ્રોજેકટો અને કાર્યક્રમો નિહાળી લોકો મંત્રમુગ્ધ
રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર આપણા દેશના હવાઈ સેના, દરિયાઈ સેના અને જમીની સેના કેવી રીતે કાર્ય કરે છે તે વિષય પર વિવિધ પ્રોજેકટસ દ્વારા બાળકોને આપણા સુરક્ષા દળો પ્રત્યે આકર્ષિત કરવા માટે રાજકોટના રેસકોર્સ મેદાન પર ૩ લાખ ચોરસ ફુટ વિસ્તારમાં ડિફેન્સ યુથ ફીએસ્ટા-૨૦૧૯ પ્રદર્શન આયોજીત કરવામાં આવ્યું હતું.
દેશના સામાજિક-આર્થિક અને સ્થિરતા માટે આપણી સંરક્ષણ સંસ્થાઓનો શું ફાળો અને તેમાં જોડાવામાં શું ફાયદાઓ છે તે આજની યુવા પેઢીને સમજાવવા માટેનો પ્રયાસ સફળ રહ્યો હતો. ચાર દિવસીય આ પ્રદર્શનનો આશરે પાંચ લાખ કરતા વધુ મુલાકાતીઓએ લાભ લીધો હતો. જેમાં રાજકોટ અને આસપાસના વિસ્તારોની ૩૦૦થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.
આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણ સમા અનેક પ્રોજેકટસમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ અંડર ગ્રાઉન્ડ બંકર, રોબોટીક મેડીકલ એડ, ઈમરજન્સી મોકડ્રીલ, લેન્ડ માઈનીંગ, એન્ટી બોમ્બ રોબોટ, સબમરીન એટેક, આર્મી ટ્રેનીંગ જેવા પ્રોજેકટ રજુ થયા તેમજ પેરેશુટ વડે પ્લેનના લેડીંગ, સ્ટીલ્થ એરક્રાફટ, સરકયુલર રનવે, શીપ ટુ શોર કનેકટ, ઓઈલ કલેકટર, સબમરીન ઈન્ટીરીયર, ઓટોનોમસ અન્ડર વોટર વ્હિકલ, કોસ્ટલ સર્વેલન્સ ડિફેન્સ વેસલ જેવા પ્રોજેકટસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત વાઘા બોર્ડર પરેડ, નાડા બેટ પ્રદર્શન, નેવી દ્વારા મશાલ માર્ચ અને નેવી બેન્ડ જેવા અવનવા આકર્ષણો તેમજ ત્રણેય સૈન્ય પાંખો દ્વારા વિવિધ શસ્ત્રોના લાઈવ ડેમોસ્ટ્રેશન અને પ્રદર્શન, બીએસએફ દ્વારા મોકડ્રીલ જેવી કવાયતોએ મુલાકાતીઓને અભિભૂત કર્યા હતા.
ચોથા અને અંતિમ દિવસે સવારે ૧૧ થી ૧:૩૦ કલાકે ઈન્ડીયન એરફોર્સ એકેડમી, ૪ થી ૪:૪૫ કલાકે ઈન્ડીયન નેવલ એકેડમી ૪:૪૫ થી ૫:૩૦ બીએસએફ-ઈન્ડીયાઝ ફસ્ટ લાઈન ઓફ ડિફેન્સ, ૫:૩૦ થી ૬:૧૦ કલાકે ઓપરેશન મેઘદુત અને ૬:૧૦ થી ૭ કલાકે સર્જિકલ સ્ટ્રાઈક-સપ્ટેમ્બર-૨૦૧૬ વિષય ઉપર હિસ્ટ્રી, જીઓ અને ડિસ્કવરીના સૌજન્યથી તૈયાર થયેલ ડોકયુમેન્ટરી ફિલ્મ વિદ્યાર્થીઓને અને મુલાકાતીઓને બતાવવામાં આવી હતી જેને ખુબ સારો પ્રતિસાદ સાંપડયો હતો. ચોથા દિવસે ભારતના વિર સપુત શહિદ કેપ્ટન વિક્રમ બત્રાના માતા-પિતા ખાસ ડિફેન્સ યુથ ફીએસ્ટાની મુલાકાતે આવ્યા હતા અને તમામ પ્રોજેકટસને નિહાળી વિદ્યાર્થીઓ પાસેથી પ્રોજેકટસની વિગતો જાણી ઘણા ખુશ થયા હતા.
ચાર દિવસ દરમ્યાન રાજકોટ ઉપરાંત આસપાસના શહેરો અને ગામોમાંથી લગભગ ૩૦૦થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિવિધ ટ્રેનીંગ સેશન્સ અને એકસપર્ટ સેશન્સનો પણ લાભ લીધો હતો. ચાર દિવસીય પ્રદર્શનનો મુખ્ય હેતુ, યુવાઓને સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા અને સંરક્ષણ દળોના જવાનો સાથે મેળવી તેમનામાં ઉત્સાહના સંચાર કરવાના પ્રતોજન સફળ થયા હતા.
આ પ્રદર્શનમાં અગત્યનો ભાગ ભજવનાર આર્મી, નેવી, એરફોર્સ, બીએસએફ, ગુજરાત પોલીસ, ઈસરો અને એનસીસીના તમામ જવાનો અને અધિકારીઓ જીનિયસ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાથી ખુબ જ પ્રભાવિત થયા હતા. તેમજ રાજકોટની જનતા દ્વારા તેમને સાંપડેલ પ્રતિસાદ, પ્રેમ અને આદરથી પણ તેઓ ખુબ અભિભૂત થયા હતા. તેઓએ સંસ્થાના આ પ્રયાસને બિરદાવ્યું હતું અને ભવિષ્યમાં પણ આ પ્રકારના આયોજનોમાં ભાગ લેવા તત્પરતા દર્શાવી હતી.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા, સીઈઓ ડિમ્પલબેન મહેતા, કેપ્ટન જયદેવ જોષી (રીટાયર્ડ), ગાર્ડી વિદ્યાપીઠના વાઈસ ચેરમેન કિરણ શાહના માર્ગદર્શનમાં ગાડી એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સીપાલ સિઘ્ધાર્થ જાડેજા તેમજ રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી જય મહેતા અને સુદીપ મહેતાની રાહબારીમાં કાજલ શુકલ, શ્રીકાંત તન્ના, પ્રજ્ઞા દવે, વિપુલ ધનવા, દર્શન પરીખ, દ્રષ્ટિ ઓઝા, મનિન્દર કેશપ, બંસી ભુત અને હિના દોશીની ટીમ સાથે તમામ સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.