ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની દરિયાઇ અને જમીન સરહદો પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરહદો પર ત્રણેય પાંખનું સૈન્ય સ્ટેન્ડ ટુ છે. સોમનાથમાં એનએસજી કમાન્ડો પહોંચી ગયા હોવાથી મંદિર અભેદ્ય કિલેબંધીમાં ફેરવાઇ ગયું છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
એર હુમલા બાદ અરબી સમુદ્રમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઇ છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં આર્મી, એરફોર્સ અને નેવી સ્ટેન્ડ બાય છે. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સમુદ્રમાં હવાલો સંભાળ્યો છે. આર્મીએ કાંઠાળ વિસ્તારમાં ચોકીઓ ઉભી કરી છે. પોલીસે એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન સહિત ધોરી માર્ગ પર ચેકિંગ શરૂ કર્યું છે.
સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે ભારતીય સેનાના જવાનોનો કાફલો ગીરસોમનાથના સમુદ્રી વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં હાઇ એલર્ટને લઇને દિલ્હીથી 4 એન.એસ.જી કમાન્ડો સોમનાથ મંદીરની સૂરક્ષા માટે સોમનાથ પહોંચી ગયા છે. આ ઉપરાતં એન.એસ.જી કમાન્ડો દ્વારા સોમનાથ હેલીપેડ સહિત સમુદ્ર કિનારો અને મંદીર પરીસરની ચકાસણી કરવામાં આવી રહી છે.