* કચ્છની સરહદની મુલાકાત લેવા ઉપર પ્રતિબંધ
* રાજયમાં કાયદા વ્યવસ્થા અંગે કેબિનેટની બેઠક
* પોલીસ, બીએસએફ, આર્મી, ઇન્ટેલીજન્સ એજેન્સી ખડેપગે
* સોમનાથ મંદીરની સુરક્ષા વધારાઇ
* દ્વારકા- સોમનાથ મંદીરે એનએસજી કમાન્ડો તૈનાત
* દરિયા કાંઠા અને સેન્સેટીવ ઝોનમાં લઇ એલર્ટ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના રોજ સીપીઆરએફ જવાનોના કાફલા ઉ૫ર હુમલો કરનાર જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા ટ્રેનીગ કેમ્પ બાલાકોટનો ખાત્મો કરી શહીદોની શહીદીનો વળતો જવાબ એર સ્ટ્રાઇક દ્વારા આપવામાં આવ્યો. પુલવામામાં શહીદોની તેરમીએ જ ભારતે ૧ર મિરાજ વિમાનો દ્વારા નાપાક પાક ને સબક શિખવ્યો. ગઇકાલ સુધી આપણે શહીદોની કુર્બાની અંગે શોક મનાવી રહ્યા હતા. ત્યારે આજે દેશભરમાં લોકોએ હાશકારો મેળવ્યો છે.
એર સ્ટ્રાઇક બાદ ગુજરાત, દિલ્હી, મુંબઇ , પંજાબ, રાજસ્થાન જેવા રાજયોમાં સુરક્ષાને તાબડતોબ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવનાર ૭ર કલાક માટે સરહદી રાજયો અને સેન્સીટીવ સ્થળો જેમ કે સોમનાથ, દ્વારકા મંદીરોમાં સુરક્ષા સજજડ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઐતિહાસિક એર સ્ટ્રાઇક બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એન્ટી ટેરેરિઝમ સ્કવોડના ટોચના અધિકારીઓ સાથે મહત્વની મીટીંગ કરી હતી.
અને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળતા સૈન્ય સાથે પોલીસને પણ રૂપાણી સરકારે તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. એન્ટી ટેરેરિઝમ સ્કવોડ ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરો બોર્ડર જીલ્લાઓના રેન્જ આઇજી સાથે વાતચીત કરી હતી. ગુજરાતમાં પહેલા પણ આતંકી હુમલા થયા હોવાના બનાવો બન્યા છે માટે સરકારે પોલીસને પણ આર્મી બીએસએફ, કોસ્ટ ગાર્ડ અને સુરક્ષા એજેન્સીઓ સાથે સતત સંપર્કમાં રહેવાના આદેશો આપ્યા છે.
દેશવાસીઓની રક્ષાને પરમોધર્મ માનતા સંવેદનશીલ મુખ્યમંત્રીએ રાજયની પ્રજાને સુરક્ષા કવચ પુરુ પાડવા તડામાર તૈયારીઓ કરી લીધી છે. ખાસ તો સૌરાષ્ટ્ર-ગુજરાતના નકશા મુજબ કોસ્ટલ એરિયાની સુરક્ષા વધારવાનો ફેંસલો લેવાયેલ છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રીની અઘ્યક્ષતામાં કેબીનેટની બેઠક થનાર છે. જેમાં સરહદી જીલ્લાઓની સુરક્ષા ઉપર ચર્ચા થશે. રાજયમા કાયદા વ્યવસ્થાની સ્થિતિને સુધારાશે અને સરહદી જીલ્લાઓની સેફટી અંગે કેટલાક મહત્વના નિર્ણયો લેવાશે.
તેથી કેટલાક મુખ્યમંત્રીના શેડયુલો રદ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ક્રાઇમ કોન્ફરન્સ પણ રદ કરાઇ છે. તો જીલ્લા પોલીસ વડાઓને વડુમથક નહી છોડવાની સુચના પણ અપાઇ છે. ત્યારે સોમનાથ મંદીરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. એનએસજી કમાંડો મંદીરમાં તૈનાત કરવાની સાથે દરિયા કાંઠે પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તો બીએસએફે વર્તમાન સ્થિતિને ઘ્યાનમાં લઇ નિર્ણય લીધો છે કે કચ્છની બોર્ડરની મુલાકાત લેવા ઉપર હાલ પુરતો પ્રતિબંધ મુકાયો છે.