હવામાનમાં રોજે રોજ આવી રહેલા ફેરફારને લઈ સવારના અને સાંજના ઠંડી તો દિવસના પંખો ચાલુ કરવા જેવી ગરમીની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે હવામાનમાં હર ઘડી પલટો અને માંદગી અને રોગચાળામાં વધારો થવાની શકયતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છુટાછવાયા વરસાદના છાંટા પડે તેવી શકયતાઓ છે. વહેલી સવારે વાતાવરણમાં ભેજ અને ધુમ્મસ જોવા મળી રહી છે.
અમદાવાદ જેવા શહેરમાં લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું, જો કે હજુ સ્વેટર અને રજાઈને કબાટમાં મુકવાનો સમય નથી આવ્યો તેવી હવામાન વિભાગની આગાહી છે. કારણ કે, એક દિવસ ગરમી તો બીજા દિવસે ઠંડોગાર પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈ કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા પ્રદેશમાં વરસાદની આગાહી છે.
આજ અને કાલ એમ બે દિવસ છુટાછવાયા છાંટા પડી શકે છે તો ઠંડીની શીતલહેર પણ યથાવત રહેવાની સંભાવના છે. જેને લઈ વાતાવરણમાં હર ઘડી પલટો નોંધાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મોટાભાગે લોકોમાં રોગચાળા અને બિમારીનું પ્રમાણ વધતું હોય છે.