વ્હાઈટ બોલથી ઉમેશ ફરી એકવખત નિષ્ફળ જતા ભારત છેલ્લા બોલે હાર્યું
પેટીએમ ટી-૨૦ સીરીઝ કે જે ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાવા જઈ રહ્યો છે તેનો પ્રથમ ટી-૨૦ મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાવામાં આવ્યો હતો જેમાં ઓસ્ટ્રેલીયાએ ૩ વિકેટે જીત હાંસલ કરી હતી. મેચ વિશે વિશલેષણ કરવામાં આવે તો ભારતને સૌથી મોટો નિર્ણય એ નડયો કે, ભારતે વિકેટ કિપરોને સ્પેશ્યાલીસ્ટ બેટ્સમેન તરીકે રમાડયા હતા. જેમાં ક્રમ ૪,૫ અને ૬ ઉપર રમેલા વિકેટકિપરો ખુબજ નિષ્ફળ નિવડયા હતા.
ક્રિકેટમાં આ ત્રણ જગ્યા ખુબજ મહત્વપૂર્ણ હોય છે. જેમાં સ્પેશ્યાલીસ્ટ બેટ્સમેન જ તે જગ્યાની શોભા વધારી ટીમને મજબૂતી આપતી હોય છે ત્યારે ભારતીય ટીમે રિષભ પંત, દિનેશ કાર્તિકને જે રીતે બેટીંગ ક્રમમાં રમાડયા હતા તેમાં તે નિષ્ફળ નિવડતા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય ઉભો થયો છે. કારણ કે, આગામી વર્લ્ડકપમાં ભારત માટે મીડલ ઓર્ડર ખુબજ ચિંતાજનક રહેશે.
જયારે ભારતીય ટીમની બોલીંગની વાત કરવામાં આવે તો ઘણા સમય બાદ ઉમેશ યાદવ વ્હાઈટ બોલથી રમ્યો હતો અને એવા જ બોલ બેટ્સમેનોને આપ્યા હતા. જેની બેટ્સમેનોને પૂર્ણત: ખબર હતી. એક જ પ્રકારના બોલ વારંવાર બેટ્સમેનોને આપવાથી બેટ્સમેનો ઉમેશને બખુબી રીતે ઓળખી ગયા હતા અને છેલ્લી ઓવરમાં જયારે ૧૪ રનની જરૂરીયાત ઓસ્ટ્રેલીયન ટીમને હતી ત્યારે જાણે લાગી રહ્યું હતું કે, કદાચ ભારત પ્રથમ ટી-૨૦ મેચ જીતી જશે. પરંતુ સામાન્ય રીતે ઉમેશ યાદવ દ્વારા જે બોલીંગનું પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં એકપણ વિશેષતા જોવા મળી ન હતી અને ઓસ્ટ્રેલીયાના પુછડીયા બેટ્સમેનોએ બખુબી રીતે તેના નિર્ધારીત બોલને બાઉન્ડ્રી બાર ફટકાર્યા હતા અને ટીમને વિજય અપાવ્યા હતો.
મેચના વિશ્ર્લેષણમાં ઓપનર રોહિત શર્મા ખૂબજ વહેલા આઉટ થઈ જતા ટીમને મોટો ફટકો પડયો હતો પરંતુ કે.એલ.રાહુલની ૫૦ ઓવરની વિસ્ફોટક ઈનીંગમાં ભારત જાણે સન્માનજનક સ્કોર ઉભો કરી શકશે તેવી આશા પણ જીવંત થઈ હતી પરંતુ સમયાંતરે વિરાટ કોહલી, રિષભ પંત, દિનેશ કાર્તિક અને કુનાલ પંડયાની વિકેટ પડતા જ ભારતીય ટીમ ૧૨૬ રન જ બનાવી શકી હતી.
ત્યારે પ્રથમ ટી-૨૦માં ભારતીય ટીમે વિકેટકિપરને સ્પેશ્યાલીસ્ટ બેટ્સમેન તરીકે તક આપી હતી તેનું કારણ વર્લ્ડકપ પણ માનવામાં આવે છે. પરંતુ જાણે ભારતીય ટીમ દ્વારા લેવાયેલો નિર્ણય નિષ્ફળ નિવડયો હોય તેવું લાગી રહ્યું છે.