નિર્માણાધીન મકાનો પર ૧૨ ટકા હતો તે ઘટાડી ૫ ટકા, સસ્તા મકાનો પર જીએસટી ૮ ટકાથી ઘટાડી ૧ ટકા કરાયો નવું ઘર ખરીદનારાઓ અને મધ્યમ વર્ગને રાહત: એપ્રિલ પછીના મકાનોને લાભ મળશે
ઘરના ઘરનું સ્વપ્ન જોનાર સામાન્ય વર્ગ માટે મોદી સરકારે રાહતના સમાચારો સમાન ઘોષણા કરી છે હવે મકાનો પર જીએસટીના સાત ટકાનો ઘટાડો રહેશે. એપ્રીલ પછીના મકાનોને લાભ મળશે તેથી સસ્તા ઘર ઉપર માત્ર ૧ ટકા જ જીએસટી લાગશે. નિર્માણાધીન મકાનો ઉપર અત્યાર સુધી જીએસટી દર ૧૨ ટકા હતો જે ઘટાડીને ફકત ૫ ટકા કરવામાં આવતા નવું ઘર ખરીદનારા મધ્યમ વર્ગના લોકોમાં આનંદની લહેર છવાઈ છે. એર્ફોડેબલ હાઉસીંગ માટે પહેલા ૮ ટકા જીએસટી દર હતો જે હવે ઘટાડીને ૧ ટકા કરવામાં આવ્યો છે.
નિર્માણાધીન મકાનો ઉપર જીએસટીના દર ઘટાડાતા આ દર ઈનપુટ ટેકસ ક્રેડિટ વિનાના રહેશે જયારે સસ્તા મકાનો પરના જીએસટી દરો પણ ઘટાડાયા છે. મકાન ખરીદદારોની ફરિયાદ હતી કે, બિલ્ડરો દ્વારે લેવાતા ઈનપુટ ટેકસ ક્રેડિટના લાભ તેમને આપવામાં આવતા નથી. ત્યારબાદ કેન્દ્ર સરકારે મકાન ખરીદદારોના લાભાર્થે જીએસટીના દરમાં ઘટાડો કર્યો. નવા દરની અમલવારી ૧લી એપ્રિલ ૨૦૧૯થી થશે. ત્યારબાદ બિલ્ડર્સ તેના પર ઈનપુટ ટેકસ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં. એફોર્ડેબલ હાઉસીંગ માટે સરકારે જીએસટી દર ઘટાડવાની સાથે કાળા નાણાને નાથવા પણ એકશન પ્લાન ઘડયો છે ત્યારે કહી શકાય છે મોદી સરકાર એક કાંકરે અનેક પક્ષીઓ મારવા માટે સક્ષમ છે.
નાણા પ્રધાન અરૂણ જેટલીએ આ ટેકસ ઘટાડાની જાહેરાત કરી હતી. રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીને કારણે અસંખ્ય મકાનો વેંચાયા વગરના પડી રહ્યાં છે જેને પગલે બિલ્ડર લોબીએ દબાણ કર્યું હતું. અન્ય મોટી રાહત સરકારી યોજનાઓ હેઠળ મધ્યમવર્ગોને લાભ થશે. બજેટમાં પણ સરકારે મધ્યમ વર્ગોને અનુલક્ષીને ચૂંટણીલક્ષી નિર્ણયો દ્વારા લોકોના દિલ જીત્યા.
રવિવારે જીએસટીની ૩૩મી કાઉન્સીલની બેઠક મળી હતી જે બાદ અરૂણ જેટલીએ જણાવ્યું કે હાલ નિર્માણ હેઠળના મકાનો ઉપર ૧૨ ટકા જીએસટી દરો રહતા જેને ઘટાડી ૫ ટકા અને એફોર્ડેબલ ઘરો પર ૮ ટકા જીએસટીને ૧ ટકા કરવામાં આવ્યું છે. જેથી સામાન્ય વર્ગના લોકોને રાહત થશે. આ ઉપરાંત ૬૦ વર્ગ મીટર ક્ષેત્રફળના હોય તેને આ એફોર્ડેબલ હાઉસીંગની કેટેગરીમાં સમાવવામાં આવ્યા છે.