સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ત્રણ દિવસ સુધી ચાલનારા દ્વાદશ જ્યોતિર્લીંગ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના પ્રારંભ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો. આ આયોજનમાં તા.23ના રોજ પરંપરાગત ધ્વજાપૂજાથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહામૃત્યુંજય યજ્ઞ, જ્યોતિર્લીંગ પૂજન, વેરાવળથી સોમનાથ સુધી આધ્યોત્મિક અને ઐતિહાસીક દ્વાદશ જ્યોતિર્લીંગ રથયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે આખા દેશને એક કર્યો હતો.
વિધાનસભા ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરેલા નિવેદનના કારણે ભાજપના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, પરેશ ધાનાણી આ બાબતે માફી નહીં માંગે તો ભાજપના તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ કરશે. ત્યારે આ બાબતે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કર્યા હતા કે, ભાજપ સરદારના નામે રાજનીતિ કરી રહી છે. ત્યારે ફરી એકવાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદારને યાદ કરતા કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા વિશે નિવેદન આપ્યું હતું.
સોમનાથમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને એક કર્યો હતો, ત્યારે કાશ્મીર પણ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવ્યું હોત તો, હું નથી માનતો કે, કાશ્મીરની સમસ્યા આજે સળગતી રહી હોત. કાશ્મીરમાં 370 કલમ ન હોત અને CRPFના જવાનો પર હુમલાઓ પણ થતા ન હોત. એટલા માટે આજે દેશના લોકો સરદારને યાદ કરે છે કારણ કે, સરદારે દેશને એક કર્યો હતો.