ગઈકાલે બપોરે ૨ વાગ્યે ભેખડો ઘસી આવતા રોડ પર થયેલા ચકકાજામ આજે રાત્રે થશે સામાન્ય
ઋષિકેશ-બદ્રિનાથ હાઈવે ઠપ્પ થઈ જતા ગઈકાલે બપોરના સમયે ચમોલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૧૪,૦૦૦ જેટલા યાત્રિકો ફસાયા હતા. વિષ્ણુ પ્રયાગ નજીક આવેલા હાથી પર્વત ખાતે જોષીનાથથી ૯ કિ.મીના અંતરે નેશનલ હાઈવે ડેમેજ થયો હતો. જેના કારણે આ ઘટના ઘટી હતી પરંતુ આ મામલે કોઈ યાત્રીઓને જાનહાની થઈ ન હતી.
આ અંગે ચમોલીના એસ.પી.તૃપ્તિ ભટ્ટે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ ગોવિંદ ઘાટ પર ૧૧૮૩, જોષીનાથ પર ૯૦૦, તેમજ પંડુકેશ્ર્વર ખાતે ૪૫૦ યાત્રિકો અટવાયા હતા. ફસાયેલા તમામ યાત્રિકોને નજીકની હોટલ્સ, લોજસ ગુરુદ્વારા અને ગેસ્ટ હાઉસમાં ઉતારો અપાયો હતો. તેમજ બદ્રીનાથ દર્શને આવેલા વધુ ૧૧,૦૦૦ યાત્રિઓ ફસાયા હતા.
જિલ્લા મેજીસ્ટ્રેટ આશીષ જોષીએ જણાવ્યું હતું કે, હાઈવેની બન્ને બાજુ પર ફસાયેલા ૧૮૦૦ યાત્રિકોને ૭૫ મીટર પહોળા રસ્તા પર રહેવાની અને જમવાની સુવિધા પુરી પાડવામાં આવી હતી. રસ્તા પર ચાલતા વાહનોને બદ્રીનાથથી પરત મોકલાયા હતા કે જેઓ વિષ્ણુ પ્રયાગથી બદ્રીનાથ જઈ રહ્યા હતા. તેઓને જોષીનાથ, ગોવિંદ ઘાટ સહિત અન્ય સ્થળોએ હંગામી ધોરણે રહેવા જમવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.
એસ.પી.ના જણાવ્યા પ્રમાણે હોટલો, આશ્રમો અને અન્ય સ્થળો કે જે બદ્રીનાથથી નજીક આવેલા હોય તેમાં ૧ લાખ યાત્રિકોને સમાવવાની કેપેસીટી હોઈ કોઈ ચિંતા કરવી જ‚રી નથી. ઋષિકેશ ખાતે પણ વાહનોને હાઈવે ઠપ્પ થઈ જતા અટકાવવામાં આવ્યા હતા. આઈ.જી. દિપક શેઠે જણાવ્યું હતું કે અંતરિયાળ-અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈ યાત્રિઓ ફસાયા હોવાનું બહાર આવ્યું નથી. આ ઘટના અન્વયે એક સંસ્થાના જણાવ્યા પ્રમાણે આગળ રસ્તો જામ થવાના કારણે ટ્રાફીક નોર્મલ થતા હજુ રાત પડી જશે. બી.આર.ઓ. દ્વારા જણાવ્યા પ્રમાણે પર્વત પરથી ભેખડો ઘસી જવાના કારણે ગઈકાલે બપોરે ઠંડી જોવા મળી હતી. રસ્તા પર ચકકાજામ જોવા મળ્યો હતો તેમજ તેને સામાન્ય થતા આજે રાત પડી જશે.