સામાન્ય સભામાં ૧૦ આંગણવાડીનું ડિજિટલ ઉદ્ઘાટન
કચ્છ જિલ્લા પંચાયતનું ૪ર૬.૯૦ કરોડની પુરાંત સાથેનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું.તો સાથે ૧૦ આંગણવાડીઓનું ડિજીટલી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લા પંચાયતની આજરોજ મળેલી સામાન્ય સભામાં નાણાંકીય વર્ષ ર૦૧૯- ર૦ માટેનું ૪ર૬.૯૦ કરોડની પુરાંત સાથેનું રૂપિયા ર૧૩૩.પ૩ કરોડનું બજેટ રજૂ કરાયું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાના અધ્યક્ષ સ્થાને મળેલ સામાન્ય સભામાં પ્રારંભે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને મૌન પાળી શ્રદ્ધાંજલી અપાઈ હતી. ત્યારબાદ કચ્છ જિલ્લામાં નિર્માણ પામનારી ૧પ સ્માર્ટ આંગણવાડીઓ પૈકી ખાવડા-૪, માધાપર-૩, નાગોર-ર, ભીમાસર (અંજાર), અંતરજાળ (ગાંધીધામ), ડુમરા (અબડાસા), ગુણાતીપુર (ભચાઉ), નાગલપર (માંડવી) અને વિરાણી (નખત્રાણા) આંગણવાડીનું કામ પૂર્ણ થતાં તેનું ડિજીટલી ઉદ્દઘાટન કરાયું હતું.સ્વભંડોળની આવકના દસ ટકા જેટલી રકમ સીલક તરીકે રાખીને વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા ૩પ૭૪.૭૮ લાખના ખર્ચની જોગવાઈ પણ કરવામાં આવી છે. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તો કચ્છના આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરાયો હતો.બીજી તરફ આ સભામાં વિપક્ષ દ્વારા પણ સત્તાપક્ષને ઘેરવાના પુરેપુરા પ્રયાસો કરાયા હતા.વિપક્ષી નેતા વી. કે. હૂંબલે આ બજેટને ચીલાચાલુ, આંકડાની માયાજાળ અને વિકાસને અવરોધરૂપ ગણાવ્યું હતું આ બાબતે દલીલો કરી હતી.