સમુહલગ્નની સાથે બારપોરો પાટોત્સવ અને સંતવાણીનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો: મોટી સંખ્યામાં સાધુ-સંતો આગેવાનો ઉપસ્થિત રહ્યા
ભાટીયા પાસેના લાંબાબંદર ગામે આવેલ પ્રસિઘ્ધ મોમાઈ માતાના મઢ ખાતે તા.૧૯ના રબારી ભોપા સમાજના ૧૧ સમુહલગ્ન, રામદેવપીર મહરાજનો બારપ્રહરનો પાટોત્સવ અને ભવ્ય સંતવાણી સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ સમુહલગ્ન સહિતના કાર્યક્રમનું ભવ્ય અને સુંદર આયોજન લાંબાબંદર મોમાઈ માતાના મઢના ભુવા જેઠા આતા તથા રાજા ભુવા તેમજ સમસ્ત ભોપા રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રબારી સમાજના ૧૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા જે દરેક દિકરીઓને સમગ્ર કરીયાવરની ચીજ વસ્તુઓ રબારી સમાજના બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ તરફથી આપવામાં આવી હતી. તેમજ ભોજનનો તમામ ખર્ચ જેઠા આતા, નાથા આતા તરફથી આપવામાં આવ્યો હતો. જયારે દરેક દિકરીઓને રૂ.૧૧૦૦/-નું રોકડ અનુદાન બારાડી વિસ્તારના અગ્રણી ઉધોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) દ્વારા આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં દુર-દુરથી અલગ-અલગ જગ્યાઓના સાધુ-સંતો, મહંતો, ભુવાઓ મોટી સંખ્યામાં હાજર રહી અને દિકરીઓને આશીર્વાદ આપ્યા હતા.