પર્યટન સમયે કોઈપણ જાતની તકલીફ ન પડે માટે આજે લોકો મેક માય ટ્રીપ જેવી ઓનલાઈન એપ્લીકેશનનો સહારો લેતા થયા છે જે હોટલ બુકિંગથી લઈ તમામ વ્યવસ્થા ગોઠવી આપે છે ત્યારે મેક માય ટ્રીપના આશરે ગયેલા ડોકટરે મરીઝ બનવાનો વારો આવ્યો હતો.
રાજકોટના ડો.ભાવેશ જોશી ૧૪ દિવસની ટ્રીપ માટે ઉત્તરાખંડની હોટલમાં રહ્યાં હતા. તેણે એક મહિના પહેલા એડવાન્સ બુકિંગ કરાવેલ અલમોરા જિલ્લાના સુમન નેચર રિસોર્ટ ખાતે તેઓ ૩૦મી મેથી ૧લી જૂન સુધી ત્યાં રોકાયા હતા. જયારે ડો.જોશી અને તેનું પરિવાર રીસોર્ટે પહોંચ્યું ત્યારે તેને માલુમ પડયું કે, તેનું બુકિંગ તો માત્ર એક દિવસ માટે જ થયું હતું. ત્યારબાદ ડોકટર રાજકોટ ડિસ્ટ્રીકટ કન્ઝયુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમ ખાતે જઈ તેણે ફરિયાદ નોંધાવી પરંતુ મેક માય ટ્રીપે તેની ફરિયાદને ન ગણકારતા કંપનીની મીસ મેનેજમેન્ટની નીતિ સામે આવી હતી. કન્ઝયુમર ફોરમમાં ફરીથી ફરિયાદ બાદ મેક માય ટ્રીપે ડોકટર જોષીને ૧૦,૦૦૦ આપી સેટલમેન્ટ કરવાનું કહ્યું પરંતુ તેણે ન સ્વીકારતા સમગ્ર મામલો કોર્ટે પહોંચ્યો હતો.
રીસોર્ટના માલીકે કહ્યું કે, જે બુકિંગ મેક માય ટ્રીપ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં કન્ઝયુમર સર્વિસ પ્રોવાઈડર રિલેશનશીપના કોઈપણ વિકલ્પો ન હતા. સમગ્ર ઘટનાના દરેક પાસાઓ જોતા કોર્ટે મેક માય ટ્રીપને ૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો આ ઉપરાંત કંપનીએ ડો.જોષીને ૫૦૦૦ એકસ્ટ્રા ખર્ચ પેટે આપવાના આદેશો કર્યા હતા.