ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વેબસાઈટને હેકરોએ હેક કરીને કોંગ્રેસ વિરોધી પોસ્ટ મુકી દીધી: કોંગ્રેસનો કાનુની પગલા લેવાની તૈયારી
દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસમાં તમામ સ્તરે જુથબંધી જોવા મળે છે. જુથબંધીના કારણે એક સમયે કેન્દ્ર અને દેશના મોટાભાગના રાજયોમાં રહેલી કોંગ્રેસની સતા લુંટાઈ જવા પામી હતી. સતા ન સંભાળી શકેલી કોંગ્રેસ પાર્ટીની વેબસાઈટને પણ હેકરોએ લુંટીને તેના પર કોંગ્રેસને લુંટારુ પાર્ટી ગણાવતો મેસેજ પણ મુકી દીધો હતો. માત્ર એટલું જ નહીં રાહુલ અને સોનિયાના વાંધાજનક કાર્ટુન પણ મુકી દેવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટને ગઈકાલે કોઈ અજાણ્યા હેકરો હેક કરીને તેના પર વાંધાજનક ટીપ્પણીઓ પોસ્ટ કરી દીધી હતી. જેમાં કોંગ્રેસે ૭૦ વર્ષના શાસનમાં દેશને લુંટયાનો અને આ પાર્ટીના સ્થાપકો અંગ્રેજી હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પાર્ટી દેશ વિરોધી પ્રવૃતિઓ કરાવવામાં નિષ્ણાંત હોવાનું પણ જણાવીને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વાંધાજનક કાર્ટુનો પણ મુકવામાં આવ્યા હતા.પ્રદેશ કોંગ્રેસની વેબસાઈટ હેક થયાની ખબર પડતા પાર્ટીના આઈ.ટી.સેલ સક્રિય થયા હતા અને આ વાંધાજનક પોસ્ટ અને કાર્ટુનો વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ અંગે પાર્ટીના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના અમુક ટીપ્પણી તત્વોએ અમારી પાર્ટીની વેબસાઈટને હેક કરી હતી. અમારા ધ્યાનમાં આવતા અમોએ આ તમામ વાંધાજનક વસ્તુઓને હટાવી લીધી છે અને આ વેબસાઈટને હેક કરનારા તત્વો સામે અમો કાનુની પગલાઓ લેશું.