અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ ટકા માલિકોની સંમતિથી રી ડેવલપમેન્ટ થઇ શકશે. આ અંગેની જોગવાઇને કાયદાકીય સ્વરૂપ આપતું ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સુધારા વિધેયક આજે વિધાનસભામાં મંજૂર થયું છે.
જો કોઇ માલિક કે ભોગવટો ધરાવનાર વ્યક્તિ જગ્યા ખાલી ન કરે તો તે જગ્યા ખાલી કરાવવા માટે એક મહિનાની નોટિસ આપવાની રહેશે. આ માટે બોર્ડ કે જે તે વ્યક્તિગત એજન્સીને પુનઃ વિકાસની મુદત માટે માલિકોને વૈકલ્પિક આવાસ કે પૂરું ભાડું આપવાનું રહેશે.
રી ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ જમીન માલિકોના કુલ ૭પ ટકા માલિકોની સંમતિ ફરજિયાત રહેશે. હાઉસિંગ બોર્ડ મ્યુનિસ્પિલ કોર્પોરેશન કે વ્યક્તિગત એજન્સી રી ડેવલપમેન્ટ કરી શકશે જે મકાનો ખંડેર છે અથવા પડવાની શક્યતા છે કે જોખમકારક છે. અથવા પઝેશનની તારીખથી રપ વર્ષનો સમયગાળો પૂરો થયો હોય તેવાં હાઉસિંગ બોર્ડનાં મકાનો હવે રી ડેવલપમેન્ટ કરી શકાશે. વિધાનસભાગૃહમાં આ બિલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
આ અન્વયે હવે માત્ર ખાનગી જ નહીં પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડની રપ વર્ષ કે તેથી વધુ સમયની મિલકતોનું રિ-ડેવલપમેન્ટ કરી શકાશે. ડેવલપમેન્ટમાં જનારી કોલોનીમાં દરેક મકાનના માલિકને તેના કાર્પેટ એરિયા કરતાં ૪૦ ટકા વધુ એરિયા સાથેનું મકાન મળશે.
દરમિયાનમાં અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશન સહિત રાજ્યભરની તમામ મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને મદદનીશ (આસિસ્ટન્ટ) મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોર્પોરેશન સીધી ભરતીથી કરી શકશે. આ અંગે કોર્પોરેશનને મંજૂરી અને સત્તા આપતું વિધેયક ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે.
આ બિલની મંજૂરીથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરોક્ત બંને નિમણૂક સીધી ભરતી અથવા કોર્પોરેશનના અધિકારીઓમાંથી બંને રીતે કરી શકશે. આ નિમણૂક માટે કોર્પોરેશને સરકારની મંજૂરી લેવાની રહેશે.