કચ્છની આરટીઓ કચેરીમાં સમયાંતરે ભ્રષ્ટાચારના કિસ્સાઓ બહાર આવતા હોય છે ત્યારે પૂર્વ કચ્છના અંજારમાં સરકાર દ્વારા વહીવટી સુગમતા માટે આરટીઓ કચેરી શરૂ કરાઈ હતી પરંતુ અહીં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવીને ભ્રષ્ટાચારનો ખેલ કરાયો છે.
અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતે આવેલી આર.ટી.ઓ કચેરીમાં 240 જેટલી ખોટી બેકલોગ એન્ટ્રી કરીને ખોટા બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવામાં આવ્યા હોવાના ચકચારી બનાવમાં અંજાર પોલીસ મથકે અંતે ફરિયાદ નોંધાઇ છે આરટીઓ ઇન્સ્પેક્ટર મહેન્દ્રભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ બનાવ 25 થી 26 ડિસેમ્બર દરમિયાન બનવા પામ્યો હતો.
અજાણ્યા શખ્સોએ કચેરીના સારથી ચાર સોફ્ટવેરનો ગુપ્ત પાસવર્ડ મેળવી તેમાં ખોટી રીતે લોગીંગ કરીને 240 બેકલોગ એન્ટ્રી કરી હતી જેના થકી ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવ્યા હતા. આ કેસ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે , થોડા સમય અગાઉ ભુજ આરટીઓ કચેરીમાં પણ ખોટી બેકલોગ એન્ટ્રી કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરાયા હતા જે કેસમાં આરટીઓ કચેરી વિવાદોમાં સપડાઈ હતી. ત્યારે અંજારમાં પણ આવો જ બનાવ બનવા પામ્યો છે.યોગ્ય તપાસ થાય તો અનેક ભ્રષ્ટ અધિકારીઓના પગ નીચે રેલો આવી શકે તેમ છે