વાર્તા રે વાર્તા…
‘વાંચન એજ લેખનનો પાયો છે’ આ વાકયને ખરાઅર્થમાં ચરિતાર્થ કરી ૧૬ વિદ્યાર્થીઓએ સ્ટોરીઝ લખી અને પુસ્તકરૂપે પ્રકાશિત કરી: ૧૩ વિદ્યાથીઓ સાથે પ્રિન્સેપાલે લીધી ‘અબતક’ની મુલાકાત
નાના-નાના ભુલકાઓ જયારે તેમના માતા-પિતા કે દાદા-દાદીને વાર્તા કહેવાનું કહે છે ત્યારે તે ખુબ જ ધ્યાનથી સાંભળતા હોય છે અને તે જ વાર્તા તેઓ તેમના મિત્રોને પણ કહે છે પરંતુ આ જ નાના ભુલકાઓ દ્વારા વાર્તા કહીને વાર્તા લખવાનું કહેવામાં આવે ત્યારે તેને થોડો ડર,સંકોચ થાય છે.
નાના બાળકો, વિદ્યાર્થીઓમાં લખવા અને વાંચવાની ક્ષમતામાં વધારો થાય તેવા ઉમદા પ્રયાસ સાથે શહેરની આર્યા વિદ્યાપીઠ દ્વારા બાળકોની આ સુષુપ્ત શકિતને ઉજાગર કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો. આર્યા વિદ્યાપીઠના ડાયરેકટર પ્રિન્સિપાલ સુરજસિંહ રાઠોડે વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલી સ્ટોરીઝને એક બુક તરીકે પ્રકાશિત કરી જેને આર્યન ટેલ્સ નામ આપવામાં આવ્યું છે. આ બુકનું જાણીતા લેખક જય વસાવડાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. ૧૬ વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલી ૧૬ સ્ટોરી સાથે આર્યા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલે ‘અબતક’ની મુલાકાત લીધી.
વિદ્યાર્થીઓને લેખન અને વાંચનમાં રસ જાગે અને તેઓ વધુ લખતા સમજતા થાય તે માટે પહેલા સ્કુલમાં દરરોજ સ્ટોરી વંચાવવામાં આવતી, ઘરે પણ સ્ટોરી બુક આપવામાં આવતી અને ત્યારે વિદ્યાર્થીઓના સુચનને ધ્યાનમાં રાખીને આ સ્ટોરી બુકની પ્રેરણા મળી.આ અંગે વધુ જણાવતા આર્યા વિદ્યાપીઠના પ્રિન્સિપાલ સુરજસિંહ રાઠોડે જણાવ્યું કે, અમારી સ્કુલમાં બાળકો દ્વારા આવી ઈતર પ્રવૃતિઓ થતી જ હોય છે.
બુકમાં સ્ટોરી લખવાનો આઈડિયા પણ વિદ્યાર્થીઓને જ આપ્યો હતો અને ત્યારબાદ આ સ્ટોરી બુક લખીને તેને પ્રકાશિત કરવામાં આવી.આર્યા વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના કાર્યો થતા જ રહે છે. આગામી કાર્યક્રમમાં ૩ માર્ચને રવિવારના રોજ સ્કુલમાં લર્ન એન ફનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સ્કુલના બાળકો ઉપરાંત વિદ્યાર્થીઓના પરિચિત ૩ થી ૭ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ આ લર્ન એન્ડ ફન કાર્યક્રમમાં જોડાઈ શકશે.