વિરાણી સાયન્સ કોલેજના ૫૦ વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉત્સવ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તેમજ વિરાણી પરિવારનો ઋણ સ્વિકાર કાર્યક્રમ યોજાશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે: પૂ.ત્યાગવલ્લભદાસ સ્વામીજી અને પૂ.દિવ્યમંગલ સ્વામીજી ‘અબતક’ની મુલાકાતે.
આત્મીય યુનિવર્સિટીના પરીસરમાં યોગીધામ ગુરુકુલના આંગણે આગામી તા.૨૩ અને ૨૪ના ત્રિવેણી અવસર યોજાનાર છે જેમાં એમ એન્ડ એમ વિરાણી સાયન્સ કોલેજનો ગોલ્ડન જયુબેલી ઉત્સવ, વિરાણી પરિવારનો ઋણ સ્વિકાર કાર્યક્રમ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વિસ્તૃત વિગત આપવા પૂ.ત્યાગવલ્લભદાસ સ્વામીજી અને પૂ.દિવ્યમંગલ સ્વામીજીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
કાલાવડ રોડ ખાતે આત્મીય યુનિવર્સિટી પરીસરમાં આગામી શનિવાર અને રવિવારના રોજ ત્રિવેણી અવસરનો સંગમ થનાર છે. જેમાં મુખ્ય સમારોહ તા.૨૪ને રવિવારના રોજ ૯:૩૦ કલાકે યોજાનાર છે. આ સમારોહ પૂ.હરિપ્રસાદ સ્વામીજીની મહારાજના સાનિઘ્યમાં યોજાનાર છે. આ તકે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અનિલભાઈ વિરાણી, સમીરભાઈ વિરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ તકે એમ એન્ડ એન વિરાણી સાયન્સ કોલેજને ૫૦ વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જયુબેલી ઉત્સવ ઉજવવામાં આવશે.
આ સાથે એમ એન્ડ એન વિરાણી સાયન્સ કોલેજના દાતા એવા વિરાણી પરિવારનો ઋણ સ્વિકાર કાર્યક્રમ પણ યોજાનાર છે. આ ઉપરાંત ૨૩મીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન પણ યોજાનાર છે જેમાં મોટી સંખ્યામાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજરી આપી ભાવભેર એકબીજાને મળશે. આ તકે કોલેજના પૂર્વ આચાર્યો તેમજ શિક્ષકો પણ ઉપસ્થિત રહેશે. આ સાથે ૨૩મીએ રાત્રે શહિદોને શ્રદ્ધાંજલી આપવા માટે દેશભકિતના ગીતોનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.