મેરા બુથ સબ સે બડા મજબુત બુથના બેનર હેઠળ યોજાયેલ આ સંમેલનમાં સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
આગામી લોકસભાની ચુંટણી સંદર્ભે મેરા બુથ સબ સે બડા મજબુત બુથના બેનર હેઠળ પોરબંદર, જુનાગઢ, જામનગર સંસદીય બેઠકોના સાંસદો, ધારાસભ્યો તેમજ હોદેદારો, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભુતવડ સરસ્વતી વિદ્યાપીઠ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શકિત પ્રદર્શન સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રભારી ઓમ માથુરે જણાવ્યું હતું કે, ભારત અત્યારે સમગ્ર દુનિયાનું નેતૃત્વ કરી શકે તેવું સક્ષમ છે. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ દુનિયાએ સ્વિકારેલ છે. પુરી દુનિયા નરેન્દ્ર મોદીની ભરપુર પ્રશંસા કરી રહી છે. દેશનો કોઈ ખુણો એવો નથી કે ત્યાં ભાજપનો કાર્યકર ન હોય જેથી આગામી ચુંટણીમાં પણ ભાજપ જ દેશ ઉપર સતા સંભાળશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ કોંગ્રેસ ઉપર પ્રહારો કરીને જણાવેલ કે કોંગ્રેસ દેશ તોડવાનું કામ કરે છે જયારે ભાજપ દેશને જોડવાનું કામ કરે છે. ૨૬ માંથી ૨૬ સીટ ઉપર ભાજપનો વિજયઘ્વજ લહેરાશે તેવું જણાવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતના પૂર્વ મંત્રી રમણભાઈ વોરા, સંગઠનમંત્રી ભીખુભાઈ દલસાણીયા, સાંસદ પુનમબેન માડમ, રાજેશ ચુડાસમા, જી.પ્રમુખ ડી.કે.સખીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, ચીમનભાઈ સાપરીયા, જસુમતીબેન કોરાટ, વી.ડી.પટેલ, જયસુખ ઠેસીયા, ડી.જી.બાલધા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.