આજે વિશ્વ માતૃભાષા દિન
અન્ય ભાષાઓથી આકર્ષિત લોકોનો કકકો વિસરાયો
વિશ્વમાં વિવિધ પ્રકારની ભાષાઓ બોલવામાં આવે છે. વ્યકિત જયારથી જન્મે ત્યારથી તેનો ભાષાઓ સાથે પરીચય થાય છે પરંતુ વ્યકિતના જીવનમાં મહત્વની ભાષા હોય તો તે તેની માતૃભાષા છે. જેમ મા તે મા બીજા બધા વગડાના વા તેજ રીતે માતૃભાષા વ્યકિતના જીવનમાં માતાના સ્થાને છે. વ્યકિત બાલ્યકાળમાં સૌપ્રથમ શબ્દ માતૃભાષામાં બોલે છે. પોતાના વિચારોને સરળતાથી માતૃભાષામાં વ્યકત કરીને સુંદર વાચા આપી શકે છે. પોતાના વિચારો, લાગણીઓ, ઈચ્છાઓને અન્ય ભાષાઓ કરતા માતૃભાષામાં સરળતાથી વ્યકત કરી શકે છે. વ્યકિતના દરેક ક્ષેત્રોમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે.
કોઈપણ વ્યકિત ભલે બીજા પ્રદેશો કે દેશોમાં રહે પરંતુ તે કોઈ દિવસ પોતાની માતૃભાષાને ભુલી શકતી નથી. વ્યકિતનો પહેલો અને છેલ્લો શબ્દ તેની માતૃભાષામાં જ રહેલો હોય છે ત્યારે માતૃભાષાનો લગાવ ઓછો થઈ રહ્યો હોય તેમ લાગે છે. અન્ય ભાષાઓના રંગોમાં રંગાઈને માતૃભાષાથી વિમુખ થઈ રહ્યો છે. માતૃભાષાથી વિમુખ એટલે સંસ્કારો અને સંસ્કૃતિથી વિમુખ ત્યારે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે.
અન્ય દેશ કે પ્રદેશમાં ગુજરાતી ભાષાના ચાહકોની સંખ્યા કઈ ઓછી નથી અને ગુજરાતી ભાષા દુનિયાના કોઈપણ ખુણે ગુજરાતીપણાનો અનુભવ કરાવે છે પરંતુ આજના સમયમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતા ગુજરાતી ભાષા ખુબ ઓછા લોકો જાણતા હોય છે અથવા તો ફકત બોલી શકતા હોય છે ત્યારે આજે માતૃભાષા ગૌરવ દિન હોવાથી અબતક મીડિયા ટીમ દ્વારા ગુજરાતીઓને ગુજરાતીમાં કકકો બોલાવીને ગુજરાતી ભાષાનું ભાન કરાવવામાં આવ્યું હતું. જયારે રાજકોટવાસીઓને કકકો બોલાવવામાં આવ્યો એમના અડધા લોકો જ પુરો કકકો બોલી શકયા જેમાં મોટાભાગની સંખ્યામાં વડવાઓ જ કકકો બોલી શકયા હતા. જયારે યુવાનો અને ઘણા બાળકોએ અડધો કકકો જ બોલી શકયા હતા તો બીજી તરફ અમુક વ્યકિતઓએ કકકો બોલવાનું જ નકાર્યું હતું ત્યારે પ્રશ્ન ઉદભવ્યો છે કે ભવિષ્યના સમયમાં માતૃભાષા સચવાશે કે કેમ ? આજના વિશ્ર્વ માતૃભાષાના દિવસે માતૃભાષાનું સંવર્ધન કરીએ. જતન કરીએ. અન્ય ભાષાના મહત્વને સમજીને માતૃભાષાને પ્રાધાન્ય આપીએ.
નિતીનભાઈ વડગામા-પ્રાઘ્યાપક (ગુજરાતી ભાષા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
પ્રશ્ન:- માણસના જીવનમાં માતૃભાષાનું શું મહત્વ રહેલું છે ?
જવાબ:-અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ વ્યવહારના આદાન-પ્રદાનમાં ભાષા મહત્વની ભૂમિકા ભજવે છે. સાહિત્યકારના સાહિત્યના સર્જન માટે ભાષા મહત્વનું માધ્યમ પુરવાર થાય છે. કોઈપણ ભાષા દ્વારા લાગણીઓને અભિવ્યકત કરી શકાય છે પરંતુ માતૃભાષામાં અભિવ્યકિત વધારે અસરકારક બની જાય છે.
પ્રશ્ન:- લાગણીઓની અભિવ્યકિતમાં માતૃભાષા મહત્વની બની જાય છે શા માટે ?
જવાબ:-માતૃભાષા સાથે વ્યકિતનો મહત્વનો સંબંધ છે. કારણકે માતૃભાષા એ ગળથૂંથીમાં મળેલી હોય છે. માતૃભાષામાં સચોટ તેમજ આકર્ષક રીતે લાગણીઓની અભિવ્યકિત થાય છે જે અન્ય ભાષાઓમાં થઈ શકતી નથી. ઉમાશંકરે જોષીએ કહ્યું છે કે ‘મળી માતૃભાષા મને ગુજરાતી, સદા સૌમ્ય અને વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી’ ઘણા બધા સાહિત્યકારોએ માતૃભાષાનો મહિમા ગાયો છે. માતૃભાષા દ્વારા જ સાંસ્કૃતિકનું સંવર્ધન અને જતન થાય છે.
પ્રશ્ન:- વ્યકિતના સંસ્કાર સિંચનમાં માતૃભાષાનો શું ફાળો છે ?
જવાબ: માણસને પોતાની વસ્તુ, વ્યકિત કે ભાષા સાથે એક અનેરૂ જોડાણ હોય છે. જો બાળકને માતૃભાષામાં સંસ્કારો આપવામાં તો તે સારી રીતે ઝીલી શકે છે. કારણકે તે પોતાનું છે.
પ્રશ્ન:- હાલના સમયમાં અંગ્રેજીએ સ્ટેટસ સિમ્બોલ થઈ ગઈ છે ત્યારે બાળકને માતૃભાષામાં ભણાવવા અંગે આપનો શું અભિપ્રાય છે ?
જવાબ:-શિક્ષણનું માધ્યમ હંમેશા માતૃભાષા હોવું જ જોઈએ. અંગ્રેજીનું મહત્વ સ્વીકારીએ કારણકે તે વિશ્વ સાથે સંબંધ જોડે છે. વિશ્વ સાથે કદમથી કદમ મિલાવવા અંગ્રેજી વિના ચાલવાનું જ નથી. તેમજ અંગ્રેજીની આપણે ઉપેક્ષા ન કરીએ પણ જયારે શિક્ષણના માધ્યમ તરીકે કઈ ભાષા હોવી જોઈએ તે અંગે વિચાર કરતા હોઈએ ત્યારે મોટાભાગના શિક્ષણશાસ્ત્રોએ સ્વીકાર્યું છે કે શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ આપવું જોઈએ. માતૃભાષામાં શિક્ષણ આપવાથી સારું પરીણામ આવે છે.
પ્રશ્ન:- સમજણમાં માતૃભાષા પ્રથમ સ્થાને છે તે અંગે આપનો શો અભિપ્રાય છે ?
જવાબ:- માતૃભાષાની ઉપકારતા સર્વથા સ્વિકાર્ય છે. જ્ઞાન-વિજ્ઞાન હોય કે સમજણની વાત હોય ત્યારે માતૃભાષામાં આપેલી સમજણ પણ સારું પરીણામ આપશે. તેમજ સમજણમાં પણ માતૃભાષા મહત્વની ભૂમિકા ધરાવે છે.
હરેન્દ્રસિંહ ડોડીયા (પ્રિન્સીપાલ, વિરાણી હાઈસ્કુલ)
પ્રશ્ન:- આપણા જીવનમાં માતૃભાષાનું શું મહત્વ રહેલું છે ?
જવાબ:-અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માતૃભાષા વગર કોઈ પણ વ્યકિતની પ્રગતિ શકય નથી. માં જેમ ઉછેર કરે તેની સરખામણીમાં અન્ય મારૂ એ આપણી માતા જેટલો ઉછેર ન જ કરી શકે. તેમજ વ્યકિત પોતાની લાગણીનું અન્ય ભાષામાં અસરકારક રજુઆત કરી શકતો નથી.
પ્રશ્ન:- વિચારની અભિવ્યકિત માટે માતૃભાષા મહત્વની છે શા માટે ?
જવાબ:- કોઈ પણ વ્યકિતને સ્વપ્ત તેની માતૃભાષામાં જ આવવાનું છે એ સ્વાભાવિક છે. બાળક પોતાની અભિવ્યકિત માતૃભાષા સિવાય અન્ય ભાષામાં અસરકારક રીતે કરી શકતો નથી. અન્ય ભાષાઓમાં અભિવ્યકત કરી શકશે પરંતુ તેટલી અસરકારક રહેશે નહીં.
પ્રશ્ન:- વ્યકિતના સંસ્કાર સિંચનમાં માતૃભાષા અગત્યની ભૂમિકા ધરાવે છે એ અંગે આપનો શું અભિપ્રાય છે ?
જવાબ:- વ્યકિતના સંસ્કાર સિંચન બાળપણથી જ કરવામાં આવે છે ત્યારે જો સંસ્કરણ માતૃભાષામાં કરવામાં આવે તો તે સારી રીતે થઈ શકે છે. હાલના સમયમાં માતા-પિતાએ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઈચ્છે છે ત્યારે હાલના સમયમાં પરિસ્થિતિ એવી છે કે લોકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની એક ઘેછલા અને દેખાદેખી છે. ઘણા સર્વેમાં તારણો કાઢવામાં આવ્યા છે કે અન્ય માધ્યમોની જગ્યાએ માતૃભાષામાં અભ્યાસ કરતા બાળકો વધુ સફળ નિવડયા છે. ઘણા બધા ડોકટર, વૈજ્ઞાનિકો, નેતાઓ અને અધિકારીઓએ પણ માતૃભાષામાં જ શિક્ષણ લીધું છે. વિવિધ તજજ્ઞો દ્વારા પણ કહેવામાં આવે છે કે બાળકનું ભણતર માતૃભાષામાં જ થવું જોઈએ. સરકાર દ્વારા પણ માતૃભાષાને ફરજીયાત ભાષા બનાવવામાં આવી છે કારણકે બાળક માતૃભાષામાં આપેલી સુચનાનું પાલન જલ્દીથી અને સારી રીતે કરશે.
પ્રશ્ન:- સમજણમાં માતૃભાષા અગત્યની છે એ અંગે આપનો અભિપ્રાય શું છે ?
જવાબ:-અન્ય ભાષામાં આપવામાં આવેલી સુચનાઓની સમજણ પુરેપુરી નહીં હોય તો સુચનાઓનું પાલન ‘આંખનું કાજલ ગાલે ઘુસ્યું’ તે રીતે થશે. વાલી મિત્રોને એક વિનંતી છે કે આપના બાળકને અન્ય માધ્યમમાં શિક્ષણ ન આપતા માતૃભાષામાં આપવામાં આવે તેવી નમ્ર અપીલ છે. તેમજ માતૃભાષા બોલીને, બાળકને શિખવાડીને માતૃભાષાનું ગૌરવ વધારીએ.