પુણ્યતિથી નિમિતે રાજકોટ ગુરુકુલમાં સવારે ૭ થી ૮ શ્રદ્ધાંજલી સભા, પ્રાર્થનાસભા, વિદ્યાર્થીઓ દ્વારા દંડવત, કિર્તન, મંત્રજાપ, યજ્ઞ, ધૂન અને ગુરુકુલ હોસ્પિટલમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
ભારત દેશમાં નાલંદા જેવી વિદ્યાપીઠો, સાંદીપની ઋષિના આશ્રમો હતા જયાં દેશ-વિદેશના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. સમય જતાં આ વિદ્યાપીઠો, આશ્રમોનું અસ્તિત્વ ભુંસાયું. જેને પુન:જીવિત કરવા સદગુરુ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ હિમાલયની પગપાળા યાત્રા પછી બીડું ઝડપ્યું.
માન્યવર કવિવર ત્રિભુવનભાઈ વ્યાસનો વિચાર મળ્યો અને સન ૧૯૪૮માં ઉગતી આઝાદી સાથે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી. આ સંસ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીની કાલે માગસર વદ-૨ના રોજ ૩૧મી પુણ્યતિથી છે.
આ સ્વામીનું જીવન ચરિત્ર જોઈએ તો ખ્યાલ આવે કે સ્વામીજી અયાચક વ્રતધારી, પંચવ્રતે પુરાશુરા, સમગ્ર જીવન પરહિતાર્થે વહેતું રાખનાર, વિપતિ અને વિરોધોના વાવાઝોડા વચ્ચે અણિશુઘ્ધ સાધુતા ટકાવી રાખવાનું કામ કરનાર, જીવનમાં નિયમિતતાં, સજાગતા, નીડરતા, કરૂણતા, ક્ષમાશિલતા વ્યવહારિકતા, શ્રીજીની આજ્ઞા, ઉપાસના અને ધર્મપાલનની દ્રઢતા જેવા અનેક ગુણોનો ભંડાર હતો.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના તરવડા ગામે તા.૧૮/૬/૧૯૦૧ સંવત ૧૯૫૭ની અષાઢી બીજના દિવસે માતા વીરૂબા અને પિતા ભુરાભાઈ લાખાણીને ત્યાં જન્મ થયો અને નામ રાખ્યું અરજણ. માતા પિતા તરફથી લાલન-પાલન, પ્રેમ અને સંસ્કારના અમી સીચ્યાં. ફકત સાત વર્ષની ઉંમરે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના વચનસિદ્ધ સમર્થ શિષ્ય સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામી પાસે કંઠી ધારણ કરી નિત્ય પુજા પાઠ અને ઉતમ જીવન જીવવાના નિયમ લીધા.
નવ વર્ષની ઉંમરે બાલમુકુંદ સ્વામીને ધ્યાન શીખવવાની વાત કરી હૃદયમાં રહી જિજ્ઞાસાને પ્રગટ કરી. ભણવામાં તેજસ્વી ચપળ અને હોશિયાર અરજણને નાનપણથી જ સદગ્રંથોના વાચનમાં રસ અને રૂચી હતી. ભગવાને સુંદર કંઠની ભેટ આપી હતી. તેથી કિર્તન, ભકતચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય વગેરે સંભળાવી સહુના હૃદયમાં અને‚ સ્થાન પ્રાપ્ત કર્યું.
ફકત ૧૨ વર્ષની ઉંમરે સંસાર છોડી સાધુતાના માર્ગે પ્રયાણ શરૂ કર્યું. સાધુ થવા છ-છ વખત ઘર છોડયું અંતે ઘરના સભ્યોએ રજા આપી વિદ્ધતવર્ય પુરાણી ગોપીનાથદાસજી સ્વામીના અનુગ્રહમાં ૧૪ વર્ષની ઉંમરે સારંગપુર મુકામે કષ્ટભંજનદેવના સાનિઘ્યમાં વડતાલવાસી આચાર્ય મહારાજ શ્રીપતિપ્રસાદજી મહારાજે ભાગવતી દીક્ષા આપી સાધુ ધર્મજીવનદાસ નામ આપ્યું.
સેવા અને ભજનના ગુણ વારસામાં પ્રાપ્ત થયેલ મંદિરમાં દરેક પ્રકારની સેવા ખંતથી બજાવવા લાગ્યા. સાત વર્ષ સુધી વડતાલમાં સંસ્કૃત પાઠશાળામાં વેદાંતનો અભ્યાસ કર્યો. યુવા અવસ્થામાં ૮૦૦ જેટલા કિર્તનો, ૩૦૦૦ સંસ્કૃતના શ્ર્લોકો, વચનામૃતો કંઠસ્થ કર્યા તો ગીતાજીના ૧૮ અધ્યાય ૧૮ દિવસમાં કંઠસ્થ કર્યા. ૧૦ વર્ષના ટુંકાગાળામાં સાડા ત્રણ કરોડથી વધુ સ્વામિનારાયણ મહામંત્રના જાપ કર્યા.
નાની ઉંમરે સાધુતા, વિદ્ધતા, કાર્યકુશળતા, સેવા ભાવતા, વ્યવહારિક સુઝના ગુણો જોઈ આચાર્ય આનંદપ્રસાદજી મહારાજે છ ધામ પૈકી જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતપદે નિમણુક કરી અને બીજા વિશ્વયુદ્ધ વખતે વિશ્વશાંતિ માટે કપરા સમયમાં પણ ૨૧ દિવસનો અભૂતપૂર્વ મહોત્સવ જુનાગઢમાં યોજી નાના-મોટા સંતો, હરિભકતો અને સમાજ શ્રેષ્ઠીઓના દિલ જીતી લીધા. મહંત પદેથી નિવૃત થઈ હિમાલયમાં બદ્રરીનારાયણ, કેદારનાથ વગેરેની ૫૩ દિવસની પગપાળા પદયાત્રા કરી અને રૂદ્ર પ્રયાગમાં એક ઋષિ બાળકોને સંસ્કૃત શ્લોક શિખવતા હતા તેમાંથી પ્રેરણા મળી અને ગુરુકુલની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો.
આવતીકાલે શાસ્ત્રીજી મહારાજની ૩૧મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટ ગુરુકુલમાં સવારે ૭ થી ૮ શ્રદ્ધાંજલિ સભા થશે પછી સ્વામીજીના અગ્નિ સંસ્કાર સ્થળે (ગુરુકુલમાં જ) જઈ પ્રાર્થના કરાશે અને પુષ્પાંજલી અર્પણ કરાશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દંડવત, કિર્તન, મંત્રજાપના નિયમો લીધા છે. સ્વામીજીની સ્મૃતિમાં સવારે યજ્ઞનારાયણને આહુતિ આપવામાં આવશે.