ભારત-સાઉદીની મંત્રણામાં આતંકવાદનો મુદો છવાશે
સાઉદીના પાટવી કુંવર આજરોજ ભારતમાં આવ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રીન્સ મોહમદ બીન સલમાન કેટલાક મહત્વના કરારો ભારત સાથે કર્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ભારત સાથે તેના ખુબજ જૂના સંબંધ છે.
ભારત ઉર્જા તેમજ સુરક્ષા ક્ષેત્રે પણ સહયોગી રહ્યું છે. ભારત અને સાઉદી અરેબીયા વચ્ચે મુલ્યવાન અને નજીકના મિત્રો જેવા સંબંધો છે. તેમણે પુલવામાં થયેલા એટેક અંગે પણ શોક વ્યકત કર્યો હતો.
ભારત આવેલા સાઉદીનાપાટવી કુંવર મોહમ્મદ બીન સલમાનને વડાપ્રધાને એરપોર્ટ પર જ ભારે ઉમળકાથી આવકાર્યા હતા. ભારતની મુલાકાતે વિશ્વના સૌથી કદાવર આખાતના દેશ સાઉદી અરબના પાટવીની ભારતની આ મુલાકાત અનેક રીતે ખૂબજ મહત્વની બની રહેશે.
પાકિસ્તાનની મુલાકાત પૂરી કરીને ૩૦ કલાકની મહેમાનગતીના આયોજન સાથે ભારત આવેલા મોહમ્મદ બીન સલમાનની મુલાકાત અને બંને દેશો વચ્ચેના સંવાદ ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે પ્રવર્તતી સ્થિતિ દરમિયાન ખૂબજ મહત્વનું રહેશે.
વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતુ કે ભારત સાઉદીના પાટવી કુંવરને ઉષ્માપૂર્વક આવકારે છે.
વડાપ્રધાને ભારતના ખાસ મિત્ર એવા સાઉદીના સુપર પાવરને આવકારવા પોટોકોલની પરવા કર્યા વગર એરપોર્ટ પર જઈ આવકાર આપ્યો હોવાનો વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે ટવીટર ઉપર અભિવ્યકિત આપી હતી.
પાકિસ્તાનથી રિયાધ જતી વખતે ભારત આવેલા મોહમ્મદ બીન સલમાન નરેન્દ્ર મોદી સાથે પાકિસ્તાન સહિતના મુદે ચર્ચા કરશે.
પાકિસ્તાન ગયેલા મોહમ્મદબીન સલમાનને ખૂબ ગરમ જોશીથી પાકિસ્તાન સતાવાળાઓએ આવકાર આપ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન ઈસ્લામાબાદના એરપોર્ટ ઉપર પ્રિન્સને આવકારવા ગયા હતા અને ખૂદ વડાપ્રધાને મોટર ડ્રાઈવ કરી સાઉદીના સુલ્તાનને વડાપ્રધાન ભવન સુધી લઈ ગયા હતા.
ભારતમાં પણ મોહમ્મદ બીન સલમાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. બુધવારે ૧૨ વાગ્સુધી ભારત રોકાનાર મોહમ્મદ બીન સલમાન સાથે પુલવામાં આતંકવાદી હુમલો,પાકિસ્તાનની આતંકી પ્રવૃત્તિઓ અને દક્ષિણ એશિયામાં શાંતિની સુદ્દઢ બનાવવા સાઉદીની મધ્યસ્થીની ભૂમિકા પર ચર્ચા થશે.
સાઉદી અને ભારતનું સંયુકત ઘોષણા પત્રક અને ભારત સાઉદીના ૨૭.૪૮ બિલીયન અમેરિકન ડોલરના વ્યવહારો વેપાર વધારવાની દિશામાં નિર્ણાયક કામ થશે.
સાઉદીના સહયોગથી ભારતમાં રત્નાગીરી રીફાઈનરીનો ૪૪ બિલિયન ડોલરનો પ્રોજેકટ શરૂ કરવા માટે કરાર થશે.