બીએસએનએલમાં નાણાકીય તંગી: પગારમાંથી કપાયેલ બેન્ક, સોસાયટી, વિમાના પૈસા ૨ માસથી ભરાયા નથી કર્મચારીઓમાં ચિંતા અને રોષ
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ-સરકારમાંથી બીએસએનએલ (ગર્વમેન્ટ અન્ડર ટેઈકીંગ) કંપની સાથે છેલ્લા ૧૦ માસ થયા સતત-અન્યાય થતો જોવા મળે છે. બીએસએનએલના ૩૬ ટેલીકોમ સર્કલના ૧.૭૨ લાખ કર્મચારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે. યુનિયનો એસોસીએશનો દ્વારા અવાર-નવાર સરકાર, બીએસએનએલ સભ્યોને આવેદનપત્રો આપી બીએસએનએલ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ છે તથા સમગ્ર ભારતમાં સૌથી વધુ નેટવર્ક ધરાવતી તથા પારદર્શક વહિવટ ધરાવતી બીએસએનએલ કંપનીના કર્મચારીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે.
ડયુટીના કર્મચારીઓ, અધિકારીઓને ૭માં પગારપંચનો લાભ આપી દેવામાં આવ્યો છે. નવું પગારપંચ લાગુ થઈ ગયું છે. જયારે ડયુટીમાંથી બીએસએનએલમાં ગયેલા અંદાજે ૧.૭૨ લાખ બીએસએનએલના કર્મચારીઓ, અધિકારીઓને પગારપંચનો લાભ આપવામાં આવેલ નથી તથા બીએસએનએલ ખોટ કરતું હોય આ લાભ મળવાપાત્ર નથી તેવું સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે. આ અનુસંધાને કોમ્યુનીકેશન મીનીસ્ટર દ્વારા ૯ માસ પહેલા ખાત્રીઓ આપવામાં આવેલ હતી. જેનું પાલન થયું નથી. તાજેતરમાં બીએસએનએલ ઉપર ફરી હુમલો થયો છે કે બીએસએનએલ બંધ થઈ રહ્યું છે જેથી બીએસએનએલના કર્મચારીઓમાં ભયંકર આક્રોશ છે. બીએસએનએલમાં છેલ્લા બે માસમાં હજારોની સંખ્યામાં ગ્રાહકો એમએચપી દ્વારા આવ્યા છે. ખુબ સારી સ્કીમો છે. બીએસએનએલ સંકટ સમયે પ્રજા સામે ઉભું રહે છે ત્યારે આવો અભ્યાસ શા માટે ?
હાલમાં બીએસએનએલને બંધ કરવા માટે જે સાજીસ ચાલી રહી છે જેમાં છેલ્લા બે માસ થયા પગારમાંથી રીકવર કરવામાં આવેલા કરોડો રૂપિયા સોસાયટી, બેંક, એલઆઈસીને આપવામાં આવેલ નથી. બીએસએનએલને લોન આપવામાં નથી આવતી. બીએસએનએલની માર્કેટ જવાબદારી બીજી કંપનીઓ કરતા ઘણી ઓછી છે છતાં બીએસએનએલને બંધ કરવા કોશીશ કરવામાં આવી રહી છે. જે અનુસંધાને જમ્મુ-કાશ્મીરને બાદ કરતા બીએસએનએલના ૩૫ ટેલીકોમ સર્કલો તા.૧૮ થી ૨૦ ત્રણ દિવસ અનિશ્ર્ચિત મુદતની હડતાલ શરૂ કરવામાં આવેલ છે. રાજકોટમાં પણ આ હડતાલ ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં હડતાલ કરવામાં આવી રહી છે. જયુબીલી બાગ, લોહાનગર, કસ્તુરબારોડ, એકસચેન્જમાં આજે ૧૦:૩૦ વાગ્યે યુનિયનો એકત્ર થઈ. શહિદોને શ્રદ્ધાંજલી આપી હડતાલ-જંગ શરૂ કરવામાં આવશે. જેમાં તમામ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.