કાશ્મીરના પુલવામા આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલામાં શહીદ થયેલ જવાનોને લોધીકા ખાતે અશ્રુભીની શ્રદ્ધાંજલી અર્પવામાં આવેલ હતી. આ નિમિતે લોધીકા તાલુકા ભાજપ દ્વારા તાલુકા પ્રમુખ ભરતસિંહ જાડેજાની રાહબરીમાં ગામનાં મુખ્ય ચોકમાં સાંજના સમયે સર્વ સમાજના લોકો એકઠા થયેલ હતા જેમાં ગામનાં વેપારીઓએ પણ ધંધા–રોજગાર બંધ રાખી જોડાયેલ હતા.
ગામના મુખ્ય ચોકમાં જાહેર શ્રદ્ધાંજલી કાર્યક્રમનાં આયોજન હેઠળ વિવિધ સમાજના આગેવાનો સહિત સર્વ સમાજનાં લોકો સ્વયંભુ જોડાયેલ હતા. જેમાં આતકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી ઈંટનો જવાબ પથ્થરથી આપવા એકી સાથે સુર ઉઠયો હતો. આ બાદ વીર શહીદોને બે મીનીટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી તથા ઘાયલ થયેલા જવાનો વહેલી તકે સ્વસ્થ થાય તેની પ્રાર્થના કરેલ હતી.
આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, દેશની પ્રગતિને ન જોઈ શકનાર ભારત દેશની એકતા અને અખંડિતતાને ડહોળવા માટે આવા નાપાક તત્વો દ્વારા કાયરતાપૂર્વકના હુમલા થાય છે. તેમજ મા ભોમની રક્ષા કાજે વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી વિર શહિદોના પરીવારજનો પ્રત્યે સહાનુભુતી વ્યકત કરેલ હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, સરપંચ જેન્તીભાઈ વસોયા, ઉપસરપંચ રાહુલસિંહ જાડેજા સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.