સમાજ માટે લાલબત્તી !!!
સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગથી માનવ સંવેદનાઓ પણ અત્યારે ચરમાસીમાએ પહોંચી છે. વેજલપુરની ૨૭ વર્ષની યુવતીએ પોતાની લાગણીઓ બોયફ્રેન્ડ સુધી ન પહોંચતા સાબરમતી નદીમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા સદનસીબે યુવાનની સમય સુચકતાથી તેને બચાવી લેવામાં આવી છે. ૧૮૧ હેલ્પ અભયમ હેલ્પલાઈન સામે આવેલો આ કિસ્સો સમાજ માટે લાલબતી જેવો છે.
આત્મહત્યાના પ્રયાસના કારણમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેના બોયફ્રેન્ડને બે વાર ફોન કરવાનો પ્રયત્નકર્યો હતો પરંતુ ફોન લાગ્યો નહીં અને ત્રીજીવાર રીંગ કરી તો તેનો ફોન બ્લોક કરી દીધો હોવાનું જાણવામાં આવતા વેલેન્ટાઈન ડેના દિવસે જ બોયફ્રેન્ડ દ્વારા થયેલો આ અનાદર યુવતીને ભારે પડી ગયો. બાેયફ્રેન્ડે ફોન ઉપર જવાબ ન આપતા હતાશ થયેલી છોકરી સવારના પહોરમાં કોઈને કહ્યા વગર ઘર છોડી જતી રહી. માતા–પિતા પણ ચિંતામાં મુકાય ગયા હતા. હતાશ થયેલી યુવતી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આત્મહત્યાનો પ્રયાસને અંજામ આપવાની તૈયારી કરતી હતી ત્યાં જ એક રાહદારી યુવાનની નજરે પડી ગઈ હતી અને તેની સમય સુચકતાથી યુવતીને સાબરમતીમાં મોતની છલાંગ લગાવતા અટકાવીને આખો મામલો અભયમના હવાલે કરી દેતા અભયમના નિષ્ણાંત કાઉન્સેલર સ્ટાફે મરવા માટે તૈયાર થયેલી યુવતીને બચાવી લીધી હતી.