બહાઉદીન કોલેજ ખાતેથી ઓપન ગુજરાત ફન ડ્રીમ મેરેથોન યોજાઈ હતી. ખેલકૂદને પ્રોત્સાહન આપતી સંસ્થા લોટસ સ્પોર્ટસ એકેડમી જુનાગઢ દ્વારા યોજાયેલી ૫ કિમી, ૧૦ કિમી અને ૨૧ કિમી મેરેથોન સ્પર્ધાને મેયર શ્રીમતી આદ્યશકિતબેન મજમુદાર, કલેકટર ડો.સૌરભ પારઘી અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ફલેગ ઓફ આપી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ મેરેથોનમાં સાત વર્ષના બાળકથી માંડીને ૬૫ વર્ષ સુધીના સિનિયર સિટીઝન જોડાયા હતા. રાજયના વિવિધ જિલ્લામાંથી યુવાનો અને સભ્યો સહભાગી બન્યા હતા. જુદા જુદા અંતરની આ સ્પર્ધા બહાઉદીન કોલેજથી મધુરમ ગેટ, મોતીબાગ બસ સ્ટેશન, મજેવડી દરવાજા થઈને ભવનાથ અને ત્યાંથી પુન:કોલેજ સુધી યોજવામાં આવી હતી. આ સ્પર્ધાની સાથે સાથે મતદારો આગામી લોકસભાની ચુંટણીમાં વધુને વધુ મતદાન કરે અને એક પણ પાત્રતા ધરાવતા મતદાર મતદાનથી દુર ન રહે તે માટે જિલ્લા ચુંટણી તંત્રના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારઘીએ આયોજકો અને સ્વયંસેવકો મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થયા તેને આવકારી લોક સંસ્થાઓ દ્વારા આ અગત્યના કાર્યક્રમને વધુને વધુ પ્રોત્સાહિત કરવામાં આવે તે અંગે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને મેયર આદ્યશકિત પણ મતદાન જાગૃતિને લોકશાહીની ધરોહર ગણાવી લોકો વધુને વધુ મતદાન કરે તે અંગે અનુરોધ કર્યો હતો. મેરેથોન કાર્યક્રમના આયોજન માટે સંસ્થાના પ્રમુખ દિપક આર્ય અને મંત્રી નીતિન સોલંકી સહિતના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.