સીરામીક એસોસિએશનની એક અપીલ પર અનુદાનની સરવાણી વહી : શહીદોના પરિવારોને માનભેર મોરબી બોલાવીને હાથો હાથ સહાય આપવાનું ઘડાતુ આયોજન
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશને ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી. ત્યારે આ જાહેરાત થયાને માત્ર ૨ જ દિવસમાં ઉદ્યોગપતિઓએ દાનની સરવાણી વહાવતા રૂ. દોઢ કરોડ જેટલો માતબર ફાળો એકત્ર થઈ ગયો છે. હજુ પણ આ સહાયનો ધોધ અવિરતપણે ચાલુ જ છે.
કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો પર આતંકીએ આત્મઘાતી હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા બાદ તેઓને વધુ મુશ્કેલી ન વેઠવી પડે તેવા આશયથી મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશ નરશીભાઈ ઉધરેજા, નિલેશ મહાદેવભાઈ જેતપરીયા, કિશોર અમરશીભાઇ ભાલોડીયા અને કિરીટ ડાયાભાઇ પટેલે શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને મોરબીના ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી. સીરામીક એસોસિએશન દ્વારા કરવામાં આવેલી આ અપીલને ઉદ્યોગપતિઓએ વધાવીને દાનની સરવાણી વહાવતા માત્ર ૨ દિવસમા રૂ. દોઢ કરોડ જેટલો માતબર રકમનો ફાળો એકત્ર થઈ ગયો છે. હજુ પણ દાનની સરવાણી ચાલુ જ છે.
એક સમયે મોરબી પર મચ્છુ હોનારતનો કહેર વરસ્યો હતો. ત્યારે સમગ્ર દેશે મોરબીની પડખે ઉભા રહીને ઘણી મદદ કરી હતી. ત્યારબાદ મોરબી બેઠું થઈ ગયું હતું. હાલ મોરબી વિકાસના પંથ પર પુરગતિએ દોડી રહ્યું છે. ત્યારે જેમ મોરબીને મદદ મળી હતી. તેમ મોરબી પણ જરૂર પડ્યે દેશને તમામ પ્રકારની મદદ કરશે તેવો ઉદ્યોગપતિઓ દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે.
વધુમાં સીરામીક એસોસિએશન દ્વારા એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે હાલ ફાળો એકત્ર કરવાનું કામ પુરજોશમા ચાલી રહ્યું છે. જે પૂર્ણ થયા બાદ શહીદોના પરિવારજનોને તેની અનુકૂળતાએ માનભેર મોરબી બોલાવવામાં આવશે.અને મોરબીમાં તેઓને હાથોહાથ આ એકત્ર કરાયેલા ફાળાની રકમ આપવામાં આવશે.
હજુ પણ ફાળો એકત્ર કરવાનું ચાલુ જ છે. જે કોઈ સેવાભાવી શહીદોના પરિવારના લાભાર્થે અનુદાન આપવા ઈચ્છતા હોય તેઓ ૯૭૨૭૫૭૦૮૫૦ નંબર પર વૉટ્સઅપ કરી શકશે. નોંધનીય છે કે એકત્ર કરવામાં આવેલ ફાળો સીરામીક એસોસિએશન દ્વારા સીધો શહીદોના પરિવારોને આપવામાં આવનાર છે.