પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં તેમની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાન સરકારે પ્રેસ રિલીઝ જાહેર કરીને આને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનથી પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે કે, પાકિસ્તન તુરંત તેમની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરે. તેઓ માત્ર વિસ્તારમાં હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.
બીજી બાજુ અમેરિકન વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં પાકિસ્તાનનું નામ લઈને કહ્યું છે કે, દરેક દેશે આતંક વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ અર્ંતગત તેમનીજવાબદારી સમજવી પડશે અને આતંકીઓને આસરો આપવાનું બંધ કરવું પડશે. અમે આતંકવાદનો મુકાબલો કરવા દરેક સ્થિતિમાં ભારત સાથે ઉભા છીએ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરવામાં આવેલા પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ સંગઠન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. પીડિતોના પરિવાર સાથે અમારી સંવેદના છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર હુમલાની નિંદા
૧.રશિયા, ઈઝરાયલ, ફ્રાન્સ, માલદીવ, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, શ્રીલંકા, કેનેડા સહિત ઘણાં દેશોએ જવાનોની શહાદત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદત સામે દુ:ખ વ્યક્ત કર્યું છે. પુતિને કહ્યું છે કે, આ હુમલાના જવાબદાર લોકોને સજા મળવી ખૂબ જરૂરી છે. અમે આ ઘટનાની આકરી નિંદા કરીએ છીએ.
૨.બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, ઢાકા હંમેશા આતંકી ગતિવિધિઓ સામે ઝીરો ટોલરન્સ પોલિસી જાળવી રાખશે. ઘાયલો જલદી સાજા થઈ જાય તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે ભારતમાં ઈઝરાયલના રાજદૂત રોન માલ્કાએ હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રતિ સંવેદના વ્યક્ત કરતા કહ્યું છે કે, અમે આ મુશ્કેલ સમયમાં ભારતની સાથે છીએ.