શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડી.બી.ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, પ્રવિણ ચૌહાણની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તથા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા દલિતો માટે અનેક લોકકલ્યાણકારી અને લોકહિતકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
ગુરુવારે સવારે ૯ કલાકે શહેરના વોર્ડ નં.૧૪માં જિલ્લા ગાર્ડન, બાપુનગર મેઈન રોડ ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવન અને લાયબ્રેરીના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા અનુસુચિત જાતિઓનું કલ્યાણ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ વિભાગના મંત્રી ઈશ્ર્વરભાઈ પરમારના હસ્તે તથા શહેરના મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ શંભુનાથજી ટુંડીયા, ડો.આંબેકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા તેમજ ભાનુબેન બાબરીયા, જીતુભાઈ કોઠારી, ભીખાભાઈ વસોયા, અશ્ર્વિન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, ડો.જૈમન ઉપાધ્યાય, મહેશ રાઠોડ, ડી.બી.ખીમસુરીયા સહિતના અગ્રણીઓ આખરી ઓપ આપી રહ્યા છે.
આ સાથે ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવનમાં ગ્રાઉન્ડ ફલોર પર આશરે ૫૭૦૦ ચો.ફુટના બાંધકામમાં સ્મારક ભવનનો હોલ બનાવવામાં આવેલ છે. લાયબ્રેરીમાં ઈ-રીડીંગ માટે ઈન્ટરનેટ ઝોન, ન્યુઝ પેપર સેકશન, રીસેપ્શન, વેઈટીંગ એરીયા, ઉચ્ચતર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રીડીંગ રૂમ, સીડી-ડીવીડી લાયબ્રેરી, બાળકો માટે ટોય સેકશન, મીની થીયેટર તેમજ ડો.બાબા સાહેબ આંબેડકર સ્મારક ભવનની એન્ટ્રીમાં કલાત્મક ગેઈટ બનાવવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અનુસુચિત જાતિ મોરચાના તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, નાનજીભાઈ પારઘી, પ્રવિણ ચૌહાણે જાહેર અનુરોધ કર્યો છે.