સિઝનલ ફલુની વાસ્તવિક સ્થિતિ રજુ કરવા હાઈકોર્ટે જણાવ્યું

સ્વાઈનફલુ કહેર સામે આરોગ્યતંત્ર દ્વારા પગલાઓ લેવા છતાં પણ તેના પર કાબુ મેળવવામાં અસફળતા મળી હોય તેમ દેખાઈ રહ્યું છે. સ્વાઈનફલુ સારવાર માટે રાજયમાં યોગ્ય સુવિધાઓ ન હોવાની જાહેર હિતની રિટમાં હાઈકોર્ટે રાજય સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, સ્વાઈનફલુ સારવાર અંતરિયાળ વિસ્તારના લોકોને મોટા શહેરોના ધકકા ન થવા જોઈએ. તમામ જિલ્લા હોસ્પિટલોમાં સ્વાઈનફલુના ટેસ્ટ માટે ઉપલબ્ધ લેબોરેટરી સહિતની સુવિધાઓ અંગેની માહિતી આપવા માટે રાજય સરકારને આદેશ કરવામાં આવ્યો છે. જે અંગેની વધુ સુનાવણી ૧૫મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.

રાજયભરમાં સ્વાઈનફલુનો કહેરથી લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો હોય તેમ તા.૧લી જાન્યુઆરીથી અત્યાર સુધી રાજયભરમાં સ્વાઈનફલુના ૧૪૩૧ કેસો નોંધાયા છે. જે પૈકી ૮૦૯ દર્દીઓની સારવાર સફળ નિવડી છે અને ૫૬૭ દર્દીઓ અત્યારે સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. જયારે ૫૫ દર્દીઓના મોત નિપજયા છે. રાજયભરના સ્વાઈનફલુના કેસોમાંથી ૫૫ ટકા કેસ અમદાવાદ, વડોદરા અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયા છે. સ્વાઈનફલુના વધતા જતા ફેલાવાને કાબુમાં લાવવા માટે સ્વાસ્થ્ય મંત્રી, સ્વાસ્થ્ય કમિશનર સહિતના પદાધિકારીઓ દૈનિક સમીક્ષા કરે છે. તે ઉપરાંત અઠવાડિયામાં એકવાર સમિતિ અને કેબિનેટ બેઠક પણ આ પરિસ્થિતિનું વર્ણન કરી સમીક્ષા કરવામાં આવે છે.

રાજયભરના તમામ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં સ્વાઈનફલુની સારવાર અને ટેસ્ટીંગ વિનામૂલ્યે કરવામાં આવે છે.હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે જિલ્લાકક્ષાએ સ્વાઈનફલુના ટેસ્ટીંગ માટે કેટલી લેબોરેટરી ઉપલબ્ધ છે. ઉપરાંત સારવાર માટે બનાવેલા આઈસોલેશન વોર્ડમાં ઉપલબ્ધ પથારીઓ, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ વિશે વિગતવાર અહેવાલ માંગ્યો છે.

ઉપરાંત હાઈકોર્ટ દ્વારા મંગાવવામાં આવ્યું હતું કે, સરકાર માટે પ્રજા જ પ્રોયોરીટી હોવી જોઈએ તેમજ સ્વાઈનફલુમાં આવતા દર્દીઓની સારવાર માટે પુરતો સ્ટાફ હોવો જોઈએ. સાથો સાથ સ્વાઈનફલુ ચેપીરોગ હોવાથી તેની માટેના સ્પેશયલ એકટ અમલ કરવામાં આવે. સ્વાઈનફલુમાં સારવાર લેવા આવતા દર્દીઓ સરકારી હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર માટે દાખલ થાય છે ત્યારે પ્રાઈવેટ હોસ્પિટલના ઘમંડના કારણે દર્દીઓ હેરાન થતા હોવાનું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું.

સાથો સાથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોને આદેશ કરવામાં આવ્યો છે કે સ્વાઈનફલુના ટેસ્ટીંગ માટે તેમની લેબમાં આવેલા સેમ્પલની સંખ્યા કોર્ટમાં રજુ કરવામાં આવે તેમજ કેટલા કેસ પોઝીટીવ તેમજ કોણે-કોણે કેટલો સમય સારવાર લીધી હતી તેની માહિતી તારવી જે પરીણામ આવે તે માહિતી કોર્ટમાં રજુ કરવામાં આવે.

સ્વાઈનફલુનો કહેર યથાવત:વધુ ૧૧ દર્દીઓ વાયરસની લપેટમાં

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સ્વાઈનફલુનો કહેર વધી રહ્યો હોય તેમ એક જ દિવસમાં સ્વાઈનફલુના ૧૧ દર્દીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સપ્ટેમ્બર મહિનાથી ડિસેમ્બર સુધી સ્વાઈનફલુમાં ૧૫૮ કેસ પોઝીટીવ નોંધાયા હતા પરંતુ ૧લી જાન્યુઆરીથી અત્યાર સુધી માત્ર ૪૩ દિવસમાં જ સ્વાઈફલુના ૧૮૭ કેસ પોઝીટીવ નોંધાયા છે અને ૩૬ દર્દીઓના મોત નિપજયા છે.

૧૨મી ફેબ્રુઆરીએ આવેલા અહેવાલ પ્રમાણે ઉપલેટાની મહિલા, જેતપુરના વૃદ્ધા, લોધિકાનો યુવાન, રાજકોટનો યુવાન, રાજકોટના આધેડ, રાજકોટના વૃદ્ધ, રાજકોટ મોરબી રોડ પરના પ્રૌઢા, રાજકોટ સાધુ વાસવાણી રોડ પરના પ્રૌઢા, જામખંભાળીયાના પ્રૌઢ, વિસાવદરના મહિલા અને જુનાગઢના પ્રૌઢનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ૧લી જાન્યુઆરીથી અત્યાર સુધી માત્ર ૪૩ દિવસમાં જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ૧૮૭ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ૩૬ દર્દીઓના મોત નિપજયા છે અને વધુ ૪૭ દર્દીઓ સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.