એક હોલ સેન્ટ્રલી એ.સી. હશે: એનર્જી એફીશીયન્સી માટે એલઈડી લાઈટ, મોર્ડન એલીવેશન, પેસેન્જર લીફટ, ડબલ પ્લમ્બીંગ સહિતની સુવિધાઓ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં શહેરના પશ્ર્ચિમ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ ઓફિસની સામે ટીપી સ્કીમ નં.૪ના પ્લોટમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોમ્યુનિટી હોલ બનાવવા માટે રૂ.૮.૫૧ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
વોર્ડ નં.૯માં ચંદનપાર્ક નજીક આવેલી વોર્ડ ઓફિસ સામે ટીપી સ્કીમ નં.૪ના ફાઈનલ પ્લોટ નં.૬૩૪માં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે જેના પ્લોટનું ક્ષેત્રફળ ૨૨૫૨ ચો.મી.નું છે. જેના માટે રૂ.૮.૫૧ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ફલોટર ૧૪૪૦ ચો.મી. એટલે કે ૧૫૫૦૦ ચો.ફૂટનું વિશાળ પાર્કિંગ રહેશે જયારે ફર્સ્ટ ફલોર પર અંદાજીત ૭૦૦ લોકોની ક્ષમતા ધરાવતો હોલ બનાવવામાં આવશે જેમાં વર-વધુ માટે એટેચ ટોયલેટ સાથે અલગ અલગ રૂમની વ્યવસ્થા, ડાયનીંગ હોલ, કિચન સ્ટોર અને વોશીંગની સુવિધા, સેકન્ડ ફલોર પર પણ આ જ રીતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
આ કામ માટે રૂ.૮.૯૧ કરોડનું એસ્ટીમેન્ટ હતું દરમિયાન શાંતિ સ્ટ્રકચર પ્રા.લી.એ ટેન્ડર દરમિયાન આ કામ ૪.૫૦ ટકા ઓછા ભાવે કરી આપવાની ઓફર આપતા હવે કોમ્યુનિટી હોલનું નિર્માણ ૮.૫૧ કરોડમાં થશે. કોમ્યુનિટી હોલની અન્ય સુવિધા ઉપર નજર કરવામાં આવે તો એક હોલ સેન્ટ્રલી એસી હશે. મોર્ડન એલીવેશન, એનર્જી એફીશીયન્સ માટે એલઈડી લાઈટ, સંપૂર્ણ હવા ઉજાસ માટે આયોજન, ડિઝલ જનરેટરની સુવિધા, બે પેસેન્જર લીફટ, કીચન માટે અલગ પ્લમ્બીંગ સીસ્ટમ અને ફાયર સેફટીની સીસ્ટમ રાખવામાં આવી છે. વર્કઓર્ડર આપ્યા બાદ ૧૨ માસમાં કોમ્યુનિટી હોલનું નિર્માણ કામ પૂરું કરવામાં આવશે.