કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહે અપુરતી વિગત છતાં ટીપરવાનની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા
વાસ્તવમાં ટીપરવાનની ખરીદીમાં કોર્પોરેશનને રૂ.૧.૩૦ કરોડનો ફાયદો
સ્ટેન્ડિંગ ચેરમેનની એન્ટી ચેમ્બરમાં બન્ને વચ્ચે ભારે બોલાચાલી: ભ્રષ્ટાચાર મુદ્દે બન્નેની જાહેર જીવન છોડી દેવાની તૈયારી
ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે મહાપાલિકા દ્વારા ૫ કરોડના ખર્ચે નવી ૧૦૦ ટીપરવાન ખરીદવામાં આવનાર છે. જેની ખરીદીમાં બેફામ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ સ્ટેન્ડીંગ કમીટીના કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ કર્યા બાદ આજે સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું હતું. ટીપરવાનની ખરીદીમાં અપુરતી વિગત હોવા છતાં ઘનશ્યામસિંહે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. વાસ્તવમાં મહાપાલિકાને રૂ.૧.૩૦ કરોડનો જંગી ફાયદો થયો છે. આ મુદ્દે આજે ઉદય કાનગડ અને ઘનશ્યામસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. બન્નેએ ભ્રષ્ટાચાર મુદ્દે જાહેર જીવન છોડી દેવાની પણ તૈયારી દર્શાવી હતી.
મહાપાલિકા દ્વારા ૧૦૦ નંગ ટીપરવાનની ખરીદી કરવામાં આવનાર છે જેના પ્રતિ નંગ ટીપરવાનનો ભાવ રૂ.૪,૯૮,૫૦૦ છે. ગઈકાલે કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહે કોટેશન રજૂ કરી એવો દાવો કર્યો હતો કે, જે ટીપરવાન મહાપાલિકા રૂ.૪.૯૮ લાખના ખર્ચે ખરીદવાની છે તે બજારમાં ભાવ રૂ.૪.૬૯ લાખમાં મળે છે અને આ ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર છે. વાસ્તવમાં ઘનશ્યામસિંહ ખુદ ગેરમાર્ગે દોરાયા છે. તેઓએ માત્ર લોડબોડી વાહનનું જ કોટેશન મેળવ્યું હતું.
મહાપાલિકા દ્વારા જે વાહનની ખરીદી કરવામાં આવનાર છે જેમાં હાઈડ્રોલીક જેક અને બંધ બોડી સહિતનું કામ કરાવાનું છે સાથે ટીપરવાનમાં માઈક પણ નખવાનું છે બજારમાં આ વાહનની કિંમત રૂ.૬.૭૫ લાખ થવા પામે છે જે મહાપાલિકા બલ્કમાં ખરીદતું હોવાના કારણે રૂ.૪,૯૮,૫૦૦માં મળે તેમ છે. ૧૦૦ ટીપરવાનની ખરીદીમાં કોર્પોરેશનને રૂ.૧.૩૦ કરોડનો ફાયદો થાય તેમ છે. છતાં કોંગ્રી કોર્પોરેટરે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા સ્ટે.ચેરમેન લાલઘુમ થઈ ગયા છે.
આજે સ્ટે.કમીટીની બેઠક પૂર્ણ થયા બાદ ચેરમેનની એન્ટી ચેમ્બરમાં ઉદયભાઈ કાનગડ અને ઘનશ્યામસિંહ જાડેજા વચ્ચે ટીપરવાનની ખરીદી મુદ્દે ભારે ગરમા-ગરમી વ્યાપી જવા પામી હતી. પોતે કરેલ ભ્રષ્ટાચારનો દાવો ખોટો હોવાની વાત સ્વીકારવામાં ઘનશ્યામસિંહ તૈયાર થયા ન હતા. બન્નેએ ભ્રષ્ટાચાર સામે જાહેર જીવન છોડી દેવાની પણ તૈયારી દર્શાવી હતી. વાસ્તવમાં સમગ્ર ઘટનામાં કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ ગેરમાર્ગે દોરાયા છે. તેઓએ જે ભાવ રજૂ કર્યા હતા તે ટીપરવાનના હતા જ નહીં માત્ર લોડબોડી ગાડીના જ હતા અને મહાપાલિકા હાઈડ્રોલીક જેક અને કલોઝ બોડી સાથેના વાહનની ખરીદી કરવાનું છે.