રૈયા રોડથી આમ્રપાલી સુધી ૩૮૦ રનીંગ મીટરની રહેશે અન્ડરબ્રિજની લંબાઈ
એકપણ એપ્રોચ રોડ કે ખાનગી માલીકીની જમીન નહીં કપાય
રેસકોર્સ મેદાન અને લાયબ્રેરીનો અમુક ભાગ કપાશે
ટૂંક સમયમાં રેલવે દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરાશે
શહેરમાં વિકરાળ અને માથાના દુ:ખાવા સમાન બની ગયેલી ટ્રાફીકની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કામ માટે રેલવે વિભાગને પ્રોજેકટ કોસ્ટની ડિપોઝીટ ભરવા આજે સ્ટે.કમીટીમાં રૂ.૨૨.૬૦ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, રૈયા રોડ પર આવેલ રેલવે ફાટક દિવસમાં ૧૮ થી ૨૦ વખત બંધ થતું હોવાના કારણે લાખો લોકો ટ્રાફીકની સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યાં છે. અહીંયા મહાપાલિકા દ્વારા બ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે પણ બજેટમાં બ્રીજ માટે નાણાની ફાળવણી કરી દેવામાં આવી છે. દરમિયાન રૈયા રોડ પર રેલવે ક્રોસીસ પર તૈયાર થનાર અંડરબ્રિજ માટે રેલવે વિભાગને પ્રોજેકટ કોસ્ટની ડિપોઝીટ ભરવા માટે રૂ.૨૨.૬૦ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. રૈયા રોડની શઆતથી જૂની આમ્રપાલી ટોકીઝ જયાં હાલ પાર્ટી પ્લોટ બન્યો છે ત્યાં સુધી બ્રિજ બનશે.
બ્રિજની લંબાઈ ૩૮૦ રનીંગ મીટરની રહેશે. બ્રિજની અંદર બે બુગદા બનાવવામાં આવશે જેની પહોળાઈ ૬.૬ મીટર અને ઉંચાઈ ૪.૫ મીટરની રહેશે. બ્રિજની બન્ને સાઈટ ૪.૫ મીટરના સર્વિસ રોડ બનાવવામાં આવશે. ફાટકથી કિશાનપરા ચોક એટલે કે રૈયા રોડના શરૂ આત સુધી બ્રિજની લંબાઈ ૧૫૦.૭૫ રનીંગ મીટર અને સ્લોપ ૧:૨૫નો રહેશે. જયારે ફાટકથી રૈયા રોડ પર આમ્રપાલી પાર્ટી પ્લોટ સુધી બ્રિજની લંબાઈ ૧૮૦ રનીંગ મીટરની રહેશે. અહીં ૧:૩૩નો સ્લોપ બનાવવામાં આવશે. બ્રિજના નિર્માણ માટે એકપણ ખાનગી મીલકત કપાતમાં લેવામાં આવશે. નહીં રેસકોર્સ ગાર્ડનની ૫૬૩ ચો.મી. જમીન અને બાજુમાં આવેલી લાઈબ્રેરીની ૭૨૨ ચો.મી. જમીન કપાતમાં જશે. આસપાસની ગલીઓના એપ્રોચ રસ્તાઓ પણ ખુલા રહેશે. બ્રિજની બન્ને બાજુ ૪.૫ મીટરના સર્વિસ રોડનું નિર્માણ કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આમ્રપાલી ફાટકે અંડરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગને પ્રોજેકટ કોસ્ટ માટે રૂ.૨૨.૬૦ કરોડની ડિપોઝીટ ભરી દીધા બાદ રેલવે દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. આ ફાટક દિવસમાં ૧૮ થી ૨૦ વખત બંધ થતું હોય છે. અંડરબ્રિજ બન્યા બાદ આશરે ૪ લાખથી વધુ લોકોને ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તિ મળશે.