વેરાવળના ડારી ગામમાં 5 સિંહોનો આંતક : ઘેંટા-બકરાને સુરક્ષીત સ્થળ પર રાખવા માટે પ્રયત્નો
સિંહ દ્વારા જંગલ વિસ્તાર છોડીને શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માનવી તેમજ અન્ય પ્રાણીઓ પર હુમલો કરતા હોવાના અનેક બનાવ પ્રકાશનમાં આવતા થયાં છે. ત્યારે વેરાવળના ડારી ગામે 5 સિંહ દ્વારા આંતક મચાવવામાં આવ્યો હતો,જેમાં સિંહોએ 70 ઘેંટા-બકરાનને નિશાનો બનાવી હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગિર-સોમનાથ જિલ્લાના વેરાવળના ડારી ગામે રવિવાર રાત્રીના 5 સિંહોનું ટોળું ગામમાં ધૂસ્યું હતું અને ધીરૂભાઇ સોલંકીની વાડીમાં માલધારી જીવા પોલા ચાવડાએ પોતાના ઘેંટા-બકરાનું ઝુંડ રાખ્યું હતું તે દરમ્યાન મોડી રાત્રે 5 સિંહના ટોળાએ વાડીમાં સુતેલા 70 જેટલા ઘેંટા-બકરાનાં ઝુંડ પર હુમલો કરી મારણ કર્યું હતું.
આ પહેલા પણ ગત અઠવાડીયામાં આજ વિસ્તારમાં વાડી ધરાવતાં નૂર મહ્મમદ અમીનની વાડીમાં સિંહે ગાયનું મારણ કર્યું હતું. જ્યારે આ બનાવ બાદ ડારી ગામ સહિત આજુ-બાજુના વિસ્તારોમાં માલધારીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. સાથે ઘેંટા-બકરાને સુરક્ષીત સ્થળ પર રાખવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.