૨૬૯.૭૨ લાખના ખર્ચે તૈયાર થનાર વિંછીયા તાલુકાના વનાળાસનાળા લિંક કેનાલનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે સંપન્ન.

નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળની વનાળા-સનાળા લિંક કેનાલનું મોઢુકા- ભડલી રોડ ખાતે આજરોજ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ખાતમૂર્હુત કર્યું હતું.

પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સૌને પાણી પુરૂ પાડવા માટે કટીબધ્ધ છે ત્યારે પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરવા આપણે સૌએ જાગૃત રહેવું જોઈએ લીંક કેનાલથી પાણી મળ્યા બાદ ખેડુતોએ ખેતરમાં ટપક પધ્ધતિ મારફતે ખેતી કરવી વધારે ફળદાઈ બની રહેશે. જેથી પર ડ્રોપ, મોર ક્રોપને ન્યાય આપી શકાય તથા ખેડુતોની આવક બમણી કરવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરી શકાશે.

વનાળા-સનાળા લિંક કેનાલ યોજના વિંછીયા તાલુકાના ભડલી ગામ પાસે સ્થિત ચેકડેમમાંથી કુલ ખર્ચ ૨૬૯.૭૨ લાખના ખર્ચે લીંક કેનાલ કાઢવામાં આવશે. આ લીંક કેનાલ ૪૮૦ મીટર ઓપન કેનાલ અને ૬૦૦ મી લંબાઇમાં(કુલ લંબાઇ ૧૦૮૦ મી)૧૨૦૦ મીમી વ્યાસની બે કપાઇપલાઈનો નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. લીંક કેનાલમાં પાણીના નિંયત્રણ માટે બે દરવાજા મુકવામાં આવશે. લીંક કેનાલ યોજનાથી કુલ ૭૫.૫૭ મિલિયન ઘનફુટ જેટલા પાણીનો જળ સંગ્રહ થશે. આજુબાજુના ૪ ગામોની ૮૫૦ એકર જેટલી જમીનમાં સિંચાઇથી પિયત થશે. આ યોજનાથી વિંછીયા તાલુકાના વનાળા, શનાળા, સરતાનપર તથા સોમલપર ગામોની ખેતીલાયક જમીનમાં સિંચાઇથી પિયત થઇ શકશે અને આજુબાજુના વિવિધ વિસ્તારના ભુગર્ભ જળસપાટીમાં એંકદરે વધારો થશે.

કેનાલ ખાતમૂર્હૂતના પ્રસંગે પ્રાંત અધિકારી એ.એચ.ચૌધરી તથા નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઈજનેર એમ.પી.રાવલએ પ્રાસંગીક ઉદ્દબોધનો કર્યા હતા. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યો કાળુભાઈ તલાવળીયા, ચમનભાઈ ભોજાણી, વિંછીયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જેઠાભાઈ ચાવળા, અગ્રણી જે.પી.રાઠોડ, ખોળાભાઇ ખસીયા,નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સહિત આસપાસના ગામોના સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.