અધિક કલેક્ટર સી.જે.પંડ્યાના રાજકોટ ખાતેના મકાને એસીબીએ નોટિસ લગાવી
સરકારની જમીનને માલિકીની ઠેરવી રૂ.૮૦ કરોડના આચરેલા કૌભાંડમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાવી ફરિયાદ
બામણબોર અને જીવાપરની જમીનના કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓ સામે આકરી કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર અને જીવાપરની ૩૮૦ એકર સરકારી જમીન ખાનગી માલિકીની બતાવી અંદાજે રૂ.૮૦ કરોડના આચરેલા કૌભાંડ અંગે અધિક કલેકટર, ડેપ્યુટી કલેકટર અને મામલતદાર સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં જિલ્લા કલેકટર દ્વારા ફરિયાદ નોંધાવતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે.
રાજકોટ તાલુકાના જીવાપર ગામની સર્વે નંબર ૪૭ પૈકી ૧૭૧ એકર સર્વે નંબર ૮૪ પૈકી ૫૫ એકર અને બામણબોર ગામની સર્વે નંબર ૫૯ પૈકી ૧૯૦ એકર તથા સર્વે ૯૮ પૈકીની ૩૩ એકર જમીન મળી કુલ અંદાજીત ૩૮૦ એકર જેટલી સરકારી જમીનને ખાનગી ઠેરવી કરોડો રૂપિયાનું કૌભાંડ અધિકારીઓ દ્વારા આચરવામાં આવ્યું હતું.
તાજેતરમાં હીરાસર એરપોર્ટના કારણે બંને ગામોને રાજકોટ તાલુકામાં સંમાવવામાં આવ્યા હતા. ત્યારે આ કૌભાંડનો કેસ રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા રિવિઝનમાં લેવામાં આવ્યો હતો. આ કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલિન અધિક કલેકટર સી.જી.પંડયા, ચોટીલાના તત્કાલીન પ્રાંત અધિકારી વી.જે.ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે.એલ.ધાડવી કસુરવાર જણાતા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ત્રણેય અધિકારીઓ સામે પગલા લેવા રાજય સરકારમાં દરખાસ્ત કરી હતી જેના પગલે તાજેતરમાં રાજય સરકારે ત્રણેય કૌભાંડી અધિકારીઓને સસ્પેન્ડ કરીને ઘરભેગા કરી દીધા બાદ તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા.
રાજય સરકારના આદેશના પગલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કનકપતિ રાજેશ ખુદ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદી બની અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા, પ્રાંત અધિકારી વી.ઝેડ ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતાર જે.એલ.ધાડવી તેમજ જમીન ખાતે કરાવી લાભ મેળવનાર શખ્સો સામે કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
ટોચ મર્યાદા ધારા હેઠળ સરકાર દ્વારા ખાલસા કરવામાં આવેલી જમીનને ખાનગી માલિકીની જમીન ઠેરવી ત્રણેય અધિકારીઓએ અંદાજે રૂ.૮૦ કરોડની કિંમતની ૩૮૦ એકર જમીન બારોબાર પધરાવી દીધાના ચોકાવનારા આક્ષેપ સાથે થયેલી અરજીની તપાસ દરમિયાન કૌભાંડ બહાર આવ્યું હતું.
ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ પોતાના સત્તા સમય દરમિયાન ભ્રષ્ટ રીત સરમથી જમીન કૌભાંડ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા નોંધાયેલી ફરિયાદની રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશી સહિતના સ્ટાફે વિધિવત ગુનો નોંધી તપાસ શરૂ કરતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત જિલ્લા મેજીસ્ટ્રેટ કક્ષાના અધિકારી ફરિયાદી બન્યા હોવાનું સામે આવ્યું છે. આ જમીન કૌભાંડમાં ત્રણેય અધિકારીઓ ઉપરાંત જમીન પોતાના નામે કરાવી લાભ લેનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાના નિર્દેશ મળી રહ્યા છે.