Table of Contents

મ્યુનિસિપલ કમિશનરે રજુ કરેલા બજેટના કદમાં રૂ.૬૮.૬૮ કરોડનો તોતીંગ વધારો: અનેકવિધ પ્રોજેકટસનો બજેટમાં સમાવેશ: વોટર ચાર્જ, કન્ઝર્વન્સી ચાર્જ, પાર્કિંગ ચાર્જ અને કાર્પેટના દરમાં ફેરફાર કરવાના સુચનોનો અસ્વીકાર

જમીન વેચાણ અને એફએસઆઈના લક્ષ્યાંકમાં વધારો કરાયો: રાજય સરકાર વધુ ગ્રાન્ટ ફાળવશે તેવી આશા સાથે બજેટમાં પુરાયા પ્રોજેકટસના રંગ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડના  કરબોજ વિહોણા ફુલગુલાબી વિકાસલક્ષી બજેટને ભાજપના નગરસેવકોનો મીઠો આવકાર

DSC 6460

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ રજુ કરેલું રૂ.૨૦૫૭.૪૨ કરોડના બજેટમાં ૬૮.૬૮ કરોડનો તોતીંગ વધારો કરી આજરોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.૨૧૨૬.૧૦ કરોડના બજેટને મંજુરીની મહોર મારવામાં આવી હતી. કમિશનરે રાજકોટ વાસીઓ પર ઝીંકેલો રૂ.૪૧ કરોડનો કરબોજ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો હતો અને નવા કરબોજ વિહોણુ ફુલ ગુલાબી બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે મંજુર કર્યું હતું.

સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું બજેટ મંજુર કર્યા બાદ પત્રકાર પરીષદને સંબોધતા ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ખરાઅર્થમાં સ્માર્ટસિટી બની દેશ અને વિશ્વના શ્રેષ્ઠ શહેરની હરોળમાં સ્થાન પામે તેવી પરીકલ્પના સાથે આગામી નાણાકીય વર્ષનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ રજુ કર્યું છે. જેમાં શહેરના છેવાડાના વિસ્તારોની પણ કાળજી લેવામાં આવી છે. રસ્તા, ગટર, સ્ટ્રીટલાઈટ, પાણી સહિતની મુળભુત સુવિધાઓનું માળખું પણ વધુ મજબુત બને તે બાબતે પુરતું ધ્યાન આપવામાં આવ્યું છે. રાજકોટની ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે રેલવે ફાટક મુકત રાજકોટના નિર્ધાર સાથે ૭ નવા અંડરબ્રિજ અને ઓવરબ્રિજનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરે રૂ.૨૦૫૭.૪૨ કરોડનું બજેટ રજુ કર્યું હતું. જેમાં મિલકત વેરામાં ૨૦ કરોડથી વધુ, વાહન વેરામાં ૬ કરોડ, પાણી કરમાં ૫ કરોડ, સફાઈ કરમાં ૫ કરોડ અને ડ્રેનેજ કરમાં ૫ કરોડનો વધારો કરવાનું સુચવ્યું હતું.

સ્ટેન્ડિંગ કમિટીએ લોકહિતમાં નિર્ણય લેતા ૪૧ કરોડના નવા કરબોજના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે અને યોજનાઓનો સમાવેશ કરી રૂ.૬૮.૬૮ કરોડના વધારા સાથે આજે રૂ.૨૧૨૬.૧૦ કરોડના બજેટને મંજુરીની મહોર મારવામાં આવી છે. આટલું જ નહીં શહેરના રેસકોર્સ મેદાન, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ સહિતના રાજમાર્ગો પર પાર્કિંગ ચાર્જની જોગવાઈ રદ કરવામાં આવી છે. નવા ૭ ઓવરબ્રિજ બનાવવા માટે રૂ.૭૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. કોઠારીયા રોડ પરના વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલમાં નવિનીકરણ માટે રૂ.૧ કરોડ, અરવિંદભાઈ મણીયાર હોલના નવિનીકરણ માટે રૂ.૧ કરોડ, શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના નવિનીકરણ માટે રૂ.૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. આગામી વર્ષમાં મહાપાલિકા દ્વારા વેસ્ટ ઝોનમાં કાલાવડ રોડ, સેન્ટ્રલ ઝોનમાં કોઠારીયા તથા ઈસ્ટ ઝોનમાં ભગવતીપરામાં ૩ નવી હાઈસ્કુલ બનાવવામાં આવશે જેનાથી લાખો લોકોને શિક્ષણની સુવિધા મળશે. બજેટના કદમાં ૬૮.૬૮ કરોડનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં નવો એક પણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો નથી. ટેકસ બ્રાંચના લક્ષ્યાંકમાં પણ કોઈ વધારો કરાયો નથી. રાજય સરકાર તરફથી રાજકોટને ૭૫ કરોડ રૂપિયાની વધુ ગ્રાન્ટ મળશે. એફએસઆઈની આવકનો લક્ષ્યાંક ૧૭ કરોડ વધારી રૂ.૧૨૩.૮૯ કરોડ કરાયો છે. જમીન વેચાણનો લક્ષ્યાંક ૧૦૦ કરોડથી વધારી ૧૦૮ કરોડ કરવામાં આવ્યો છે. જયારે જુદા-જુદા હેડના ખર્ચમાં ૧૦ કરોડની બચત કરવામાં આવી છે.

૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલે બનશે બ્રિજ: બજેટમાં ૭ બ્રિજની જાહેરાત

કમિશનરે ૪ બ્રિજ સુચવ્યા, સ્ટેન્ડિંગે ૩નો ઉમેરો કરી ૭ બ્રિજ મંજુર કર્યા: ૭૫ કરોડની ફાળવણી

શહેરમાં વિકરાળ બનેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા હાલ અલગ-અલગ રાજમાર્ગો પર ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં શહેરમાં નવા ૭ બ્રિજ બનાવવામાં આવશે. આ માટે બજેટમાં ૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ રજુ કરેલા બજેટમાં આમ્રપાલી રેલવે ક્રોસીંગ, લક્ષ્મીનગર, સિવિલ હોસ્પિટલ ચોક અને કેકેવી ચોક ખાતે બ્રીજ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ વધારાના ૩ બ્રીજનો ઉમેરો કુલ ૭ બ્રીજ બનાવવા માટે રૂ.૭૫ કરોડની જોગવાઈ કરી છે. શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ ખાતે ટ્રાફિકનું ભારણ ખુબ જ વધું પ્રમાણમાં રહેતું હોય અહીં પણ ઓવરબ્રીજ બનાવવામાં આવશે. આ ઉપરાંત કોઠારીયા સોલવન્ટ રેલવે ક્રોસીંગ અને સોરઠીયાવાડી ચોકમાં પણ બ્રીજ બનાવવાની ઘોષણા બજેટમાં કરવામાં આવી છે.

સામાન્ય રીતે એક બ્રીજના નિર્માણ પાછળ ૨૫ થી ૩૦ કરોડનો ખર્ચ થતો હોય છે ત્યારે સ્ટેન્ડિંગે ૭ બ્રીજ માટે રૂ.૭૫ કરોડની જોગવાઈ કરી છે. આ અંગે ચેરમેને જણાવ્યું હતું કે, રાજય સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટને અવાર-નવાર વિવિધ વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે બ્રીજ નિર્માણ માટે પણ સરકાર ચોકકસ ગ્રાન્ટ ફાળવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી સુધીના ૧૫૦ ફુટ રીંગ રોડ પર હાલ રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે ફલાય ઓવરબ્રીજ છે. મવડી અને રૈયા ચોકડી ફલાય ઓવરબ્રીજનું કામ ટુંંક સમયમાં પૂર્ણતાના આરે છે. ગોંડલ ચોકડીએ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. માધાપર ચોકડીએ બ્રીજ બનાવવા માટેની ઘોષણા રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ ખાતે બ્રિજ બનાવવાની ઘોષણા આજે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા હવે ૧૫૦ ફુટ રીંગ રોડ પર આગામી દિવસોમાં એક સાથે ૬-૬ બ્રીજ બની જશે.

રાજકોટવાસીઓ આનંદો: રેસકોર્સમાં વાહન પાર્કિંગનો ચાર્જ નામંજુર

શહેરના ૧૨ રાજમાર્ગો પર વાહન પાર્કિંગ ચાર્જનું સુચન ફગાવતી સ્ટેન્ડિંગ

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજરોજ મંજુર કરવામાં આવેલા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના બજેટમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના રેસકોર્સ મેદાન, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ઢેબરભાઈ રોડ, ગોંડલ રોડ, જામનગર રોડ, કુવાડવા રોડ, ટાગોર રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ ચોકડીથી ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના ૧૨ રાજમાર્ગો અને રેસકોર્સ રીંગ રોડ સહિતની નવી સાઈટ માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા વાહન પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવે તેવી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી હતી. જયાં સુધી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનની યોગ્ય વ્યવસ્થા તથા પાર્કિંગ સ્પેસ ન આપી શકાય ત્યાં સુધી નવા કોઈ પણ ચાર્જ કે વેરા શહેરીજનો પણ લાદવાનું ઈચ્છનીય ન જણાતા સ્ટેન્ડિંગ કમિટીએ આ જોગવાઈ રદ કરી દીધી છે. હવે રેસકોર્સ રીંગ રોડ પર વાહન પાર્કિંગનો કોઈ ચાર્જ લાગશે નહીં.

રૈયા ચોકડીએ બનશે હાઈજેનિક ફુડ સ્ટ્રીટ: ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ

આવતા વર્ષે રાજકોટ મેરેથોન, દિવાળી કાર્નિવલ અને ફલાવર શો યોજાશે

અમદાવાદમાં કાકરીયા તળાવ પાસે આવેલી હાઈજેનિક ફુડ સ્ટ્રીટની થીમ પર રાજકોટમાં રૈયા ચોકડી પાસે હાઈજેનિક ફુડ સ્ટ્રીટ બનાવવામાં આવશે તેમ આજે બજેટ મંજુર કર્યા પત્રકાર પરીષદને સંબોધતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરીજનોને કુદરતી તત્વોથી ભરપુર અને પૌષ્ટીક એવો નાસ્તો, જયુસ, સરબત વગેરે મળી રહે સાથો સાથ નાના ધંધાર્થીઓને રોજગાર મળી રહે તેવા આશ્રય સાથે કોર્પોરેશન દ્વારા શહેરમાં રૈયા ચોકડી નજીક હાઈજેનિક ફુડ સ્ટ્રીટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બજેટમાં શહેરના ત્રણેય ઝોનમાં બીઓટીના ધોરણે પાર્ટી પ્લોટ બનાવવા પણ ૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પાર્ટી પ્લોટ માટે હાલ ૭ જેટલા પ્લોટ પ્રાથમિક ધોરણે લીસ્ટમાં સમાવાયા છે. શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આગામી નાણાકીય વર્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રૂ.૧.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આવતા વર્ષે રાજકોટમાં મેરેથોન યોજાશે જેના માટે ૫૦ લાખ, દિવાળી કાર્નિવલ માટે ૧.૫૦ લાખ અને ફલાવર શો માટે ૫૦ લાખની અલાયદી જોગવાઈ કરવામાં આવી છે.

જયુબિલી ગાર્ડન અને ગાંધી મ્યુઝિયમને જોડતો ફૂટ ઓવરબ્રિજ બનાવાશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના જીવનના આઠ વર્ષ જયાં પસાર કર્યા હતા તેવા રાજકોટ શહેરમાં પૂજય બાપુની કાયમી સ્મૃતિ જળવાય રહે તે માટે કોર્પોરેશન દ્વારા આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધી મ્યુઝિયમ અને જયુબીલી ગાર્ડનને જોડવા એક ફુટ ઓવરબ્રીજ બનાવવા માટે મેયર બીનાબેન આચાર્યએ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સુચન રજુ કર્યું હતું. જેનો સ્વિકાર કરવામાં આવ્યો છે. આ ફુટ ઓવરબ્રીજ માટે ૨૫લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના મધ્યમાં આવેલા જયુબીલી ગાર્ડન રાજાશાહી વખતની વિરાસત છે. આ ગાર્ડનના નવિનીકરણ માટે ૭૫ લાખની ફાળવણી કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.