મ્યુનિસિપલ કમિશનરે રજુ કરેલા બજેટના કદમાં રૂ.૬૮.૬૮ કરોડનો વધારો કરતી સ્ટેન્ડિંગ: રેલવે ફાટક મુકત રાજકોટના નિર્ધાર સાથે નવા ૭ બ્રિજની બજેટમાં જાહેરાત: ૪૧ કરોડનો કરબોજ નામંજુર કરાયો
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ રજુ કરેલા રૂ.૨૦૫૭.૪૨ કરોડના બજેટના કદમાં રૂ.૬૮.૬૮ કરોડનો વધારો કરી આજરોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.૨૧૨૬.૧૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. ફુલ ગુલાબી બજેટમાં કમિશનર દ્વારા સુચવવામાં આવેલા ૪૧ કરોડના કરબોજને ફગાવી દેવાની જાહેરાત પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા કરવામાં આવી છે. નાનામવા સર્કલ ખાતે અને કોઠારીયા સોલવન્ટ રેલવે ક્રોસીંગ સહિત કુલ ૭ ઓવરબ્રિજ-અંડરબ્રિજની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું રૂ.૨૧૨૬.૧૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટમાં ૪૧ કરોડના નવા કરબોજનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. સાથોસાથ પ્રજાલક્ષી નિર્ણય લેતા બજેટના કદમાં રૂ.૬૮.૬૮ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. રેલવે ફાટક મુકત રાજકોટના નિર્ધાર સાથે બજેટમાં અલગ-અલગ ૭ બ્રિજની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે ૭૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે વાહન વેરો, વોટર ચાર્જ, ડ્રેનેજ ચાર્જ, ક્ધઝર્વન્સી ચાર્જ ઉપરાંત જુના રાજકોટની બજારોના મિલકત વેરાના કાર્પેટના દરમાં ૧૦૦ ટકાનો વધારો સુચવ્યો હતો જે નામંજુર કરવામાં આવ્યો છે. એકંદરે બજેટમાં રાજકોટવાસીઓ પણ નવો એક પણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો નથી.
તેઓએ ઉમેર્યું હતું કે, કમિશનર દ્વારા શહેરના રેસકોર્સ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ સહિતના ૧૨ રાજમાર્ગો પર વાહન પાર્કિંગ ચાર્જની જોગવાઈ કરવામાં આવી હતી જયાં સુધી તંત્ર ટ્રાફિક નિયમનની યોગ્ય વ્યવસ્થા ન કરે અને પાર્કિંગ સ્પેસ ન આપી શકે ત્યાં સુધી ચાર્જીસ કે વેરો લાદવાનું ઈચ્છનીય ન જણાતા આ જોગવાઈ પણ આજે બજેટમાં રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત બજેટમાં કેટલીક નવી જોગવાઈ પણ કરવામાં આવી છે જેમાં આમ્રપાલી રેલવે ક્રોસીંગ, નાનામવા સર્કલ, સોરઠીયાવાડી ચોક, લક્ષ્મીનગર, સિવલ હોસ્પિટલ ચોક, કેકેવી ચોક, કોઠારીયા સોલવન્ટ રેલવે ક્રોસીંગ એમ કુલ ૭ રેલવે ફાટક ખાતે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા માટે રૂ.૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોઠારીયા રોડ પરના વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલનું નવિનીકરણ, અરવિંદભાઈ હોલનું નવિનીકરણ, શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની નવિનીકરણ માટે જોગવાઈ કરવામાં આવી છે. ત્રણેય ઝોનમાં ટીપીના પ્લોટમાં બીઓટીના ધોરણે પાર્ટી પ્લોટ બનાવાશે. આ ઉપરાંત રૈયા ચોકડી ખાતે હાઈજેનિક ફુડ સ્ટ્રીટની જાહેરાત આજે બજેટમાં કરવામાં આવી છે.