સીનર્જી હોસ્પિટલ નજીક પારસધામ આધ્યાત્મિક સંકુલ નિર્માણ પામશે
પૂ.ગીરીશમુનિ મ.સા.ના જીવન કવન આધારિત મહાનાયક સ્મૃતિગ્રંથનું વિમોચન; સવા લાખ વનકારમંત્રના જાપના અનુષ્ઠાન; વિશાળ સંખ્યામાં ભાવિકો આપશે હાજરી
મુંબઈ, બરોડા, જામનગર, કોલકત્તા જેવા ક્ષેત્રોમાં પારસધામ અને પાવનધામ રૂપી સેવા અને સાધનાના ધર્મસંકુલોના પ્રેરક, જન સમાજ માટે શ્રદ્ધા–આસ્થાના કેન્દ્ર સ્થાપિત કરી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની ૨૮ મી દીક્ષા જયંતિ ઉપલક્ષે સંયમ અભિવંદના અવસરની ઉજવણી સાથે રાજકોટ નગરીમાં નવા પારસધામના સર્જનની તૈયારીઓ થઈ રહી છે.
સંસારનો ત્યાગ કરીને સંયમની ઉત્કૃષ્ટ સાધના જીવનના ૨૮ વર્ષ પરિપૂર્ણ કરી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ હજારો હૃદયમાં ગુરુના શ્રદ્ધા સ્થાન પર બિરાજમાન થઈને, ૩૪–૩૪ આત્માઓને સંસારથી ઉગારી દીક્ષાના દાન દઈને દીક્ષાદાનેશ્વરીના પરમ ઉપકારી પદ સાથે સંયમના ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે તેમના ચરણમાં શુભેચ્છા વંદના અર્પણ કરતાં સંયમ અભિવંદના અવસર કાર્યક્રમનું આયોજન ૧૦.૦૨.૨૦૧૯, રવિવારે, સવારે ૦૯.૦૦ કલાકે રાજકોટમાં મારૂતી પટાંગણ, અયોધ્યા ચોક,સિનર્જી હોસ્પિટલ પાસે, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટનાં આંગણે આયોજિત કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાંદિવલી, ઘાટકોપર, રાજકોટ, બરોડા, જામનગર અને કોલક્તા જેવા અનેક ક્ષેત્રોમાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી સ્થાપિત થએલાં પારસધામ અને પાવનધામ ધર્મ સંકુલો આજે માનવતા, સેવા, જીવદયા અને આત્મસાધનાની અનેકવિધ પ્રવૃતિઓથી ન માત્ર ધમધમી રહ્યાં છે પરંતુ જૈન –જૈનેતર હજારો ભાવિકો માટે શ્રદ્ધા–આસ્થા અને જીવન જીવવાના એક લક્ષ્યનું કેન્દ્ર સ્થાન બની રહ્યાં છે.
ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયોજિત થતાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, આઈ ચેક અપ કેમ્પ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે થતાં ફ્રી એજ્યુકયુશનલ સેમિનાર, બ્લડ ડોનેશન કેમ્પ, વૃદ્ધો માટે શુદ્ધ સાત્વિક ભોજન માટે પરમ ટિફિન સહાય, આદિ અર્હમ યુવા સેવા ગ્રુપની અનેકવિધ સેવાક્રીય પ્રવૃતિઓ જ્યાં કરવામાં આવે છે, નાના બાળકોને આધુનિક પદ્ધતિથી જૈન ધર્મના સિદ્ધાંતો શીખવતી લુક એન લર્ન પાઠશાળાની જ્યાં પ્રવૃતિઓ ચાલી રહી છે, સોહમ મહિલા ગ્રુપ અને સંબોધિ સત્સંગ ગુપના બોધ સેશન્સની સાથે યોગાસન અને ધ્યાન સાધનાનો જ્યાં અનેક –અનેક ભાવિકો લાભ લઈ રહ્યાં છે અને મહાપ્રભાવક ઉવસગ્ગહરં પદની સ્થાપિત થયેલી પ્રગટ પ્રભાવક સિદ્ધપિઠિકાના સ્થાન પર ભક્તિ ભાવના અર્પણ કરીને જ્યાં હજારો ભાવિકો જીવનને શાંતિ–સમાધિમય બનાવી રહ્યાં છે એવા આ સર્વ પારસધામ – પાવનધામ ધર્મ સંકુલોની શૃંખલામાં વધુ એક પારસધામનું નિર્માણ રાજકોટની ધરા પર કરવામાં આવશે.
આ અવસરે ૩૦૦૦થી વધુ ભાવિકો સવા કલાક સુધી સતત નમસ્કાર મહામંત્રના જાપનું ઉચ્ચારણ કરી સવા લાખ મંત્ર જાપઅનુષ્ઠાનમાં બેસશે. આ અનુષ્ઠાનમાં બેસવા માટે ઇચ્છતા ભાવિકો માટે રાજકોટના જૈન ઉપાશ્રયોથી સવારે ૦૮.૩૦ કલાકે બસની સુવિધા રાખવામાં આવી છે.
રાજકોટના આંગણે વસંત પંચમી, રવિવારના દિવસે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવની દીક્ષાજયંતિ અવસરે મંત્ર શુભેચ્છા કાર્યક્રમ અંતર્ગત થતા સવા લાખ જાપ વાતાવરણમાં દિવ્યતાનું સર્જન કરશે તેમજ સૌરાષ્ટ્ર અને રાજકોટના જૈન સંઘો રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવને શુભેચ્છા અર્પણ કરશે.
આ અવસરે ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ એવમ રાજકોટમાં બિરાજમાન મહાસતીજી વૃંદ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવને સંયમ શુભેચ્છા આપવા પધારશે.
વિશેષમાં, રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની દીક્ષા જયંતિના આ અવસરે ગાદીપતિ પૂજ્ય ગિરીશમુનિ મહારાજ સાહેબના જીવન કવન પર આધારિત સ્મૃતિ ગ્રંથ–મહાનાયક ગ્રંથના વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ અવસરે દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.